×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાગૃત જીવન

લાગણીઓ ઝરણાંની જેમ ફૂટ્યા કરતી હોય છે, અને નિરંતર વહ્યા કરે છે. મન અને મસ્તિષ્કનો એના પર કાબૂ હોતો નથી. લાગણીઓ પેલા જંગલી તોખાર જેવી છે. આ અશ્વને તબેલામાં પૂરી શકાતો નથી.આપણું મન લાગણીને જ નહી,આપણી પ્રજ્ઞા, સ્મૃતિ, કલ્પના, ઊર્મિઓને પણ નાથવા મથામણ કર્યા કરે છે. તેમને વશ કરવા અનેક તર્ક લડાવ્યા કરે છે. પણ તે તર્ક તેમને કોઇ ઇચ્છાઓના રથ સાથે જોડી શકવા હમેશાં અસમર્થ રહ્યો છે. આ મથામણમાં માનવી કણ કણમાં છિન્ન વિછિન્ન થઇ જાય છે. ઊર્મિ અને બુદ્ધિ -પ્રજ્ઞા વચ્ચેનો દ્વંદ્વ અવિરત એક બીજા પર વિજય પામવા મથ્યા કરે છે.પરંતુ પ્રજ્ઞા અને લાગણી ભાગ્યે જ સાથેચાલી શકે છે. મોટા ભાગે તે વિપરીત દિશાઓમાં કે કવચિત્ જ સમાંતરે ચાલ્યા કરે છે! મનની દિશા આપણા વાણી વર્તનમાં વ્યક્ત થઈ જતી હોય છે. આપણું વર્તન, આપણા હાવભાવ, આપણી બોલચાલ મનના અરીસા જેવી છે. લાગણીઓનું પણ આવું જ છે. તે શરીરની પ્રતિક્રિયાઓ સાથે પ્રગટ થાય છે.શારીરિક કે માનસિક ઈચ્છાઓ, કે મનની ઊંડે ધરબાઇ રહેલી એષણાઓ આપણા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. મન અને શરીર દરિયાના મોજા સાથે ભરતી ઓટના સંબંધને પ્રગટાવે છે. અનુભવાતી અને પ્રગટ થતી લાગણીઓની કશ્મકશ વચ્ચે આપણું જીવન વ્યતીત થાય છે. આપણે જ નક્કી કરવું રહ્યું, કયા પ્રવાહની સાથે તરવું છે, કે પછી પ્રવાહની સામે તરવું છે!? આપણી પરંપરાગત માન્યતા છે કે આપણી વાણીનું મનમાં, મનનું બુધ્ધિમાં, બુધ્ધિનું પ્રાણમાં અને પ્રાણનું પરમાત્મામાં તાદાત્મ્ય રહે છે. નિંન્દ્રા અને મૃત્યુની આ સમાંતર અવસ્થાઓ છે. જ્ઞાન બુધ્ધિમાં છે, અને બુધ્ધિ આત્માથી અલગ છે. પણ સાથે જ આત્મા જ્ઞાન સ્વરૂપ છે! આથી મન, બુધ્ધિનાં આવરણો જીવનકાળના અંત સમયે ખસતા જાય છે. મન, વચન, શરીર અને ઈન્દ્રિયોના સ્વરૂપને ત્યારે સર્જનહારને સમર્પિત કરી મોક્ષમાર્ગે આપણે આરોહણ કરીએ છીએ! -કૌશિક અમીન.