×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

370 મુદ્દે 16 દિવસ ચાલેલી સુનાવણી પૂર્ણ, સુપ્રીમ હવે ચુકાદો આપશે


- સુપ્રીમે વિરોધ અને સમર્થનમાં દલિલો સાંભળી

- જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનો કેન્દ્રનો નિર્ણય બંધારણીય હતો કે ગેરબંધારણીય તે સુપ્રીમ નક્કી કરશે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી હટાવવામાં આવેલા આર્ટિકલ ૩૭૦ને લઇને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી આખરે પૂર્ણ થઇ ગઇ છે. ૩૭૦ હટાવવા મુદ્દે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી સુનાવણી થઇ હતી. અરજદારોની માગ છે કે ૩૭૦ ફરી લાગુ કરવામાં આવે. જ્યારે સરકારે ૩૭૦ હટાવવાના સમર્થનમાં દલિલો કરી હતી. એવામાં સુપ્રીમ કોર્ટે બન્ને તરફથી દલિલોને સાંભળી હતી અને પોતાનો ચુકાદો હાલ અનામત રાખ્યો છે.  

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ ન્યાયાધોશીનો બંધારણીય બેંચ દ્વારા સુનાવણી કરવામા આવી હતી. ૩૭૦ ફરી લાગુ કરવાના સમર્થનમાં થયેલી અરજીઓ વતી વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવેએ પોતાની દલિલો રજુ કરી હતી. જ્યારે એટર્ની જનરલ આર વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરીષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરીએ કેન્દ્ર સરકાર તરફથી દલીલો કરી હતી અને આર્ટિકલ ૩૭૦ને હટાવવાના સરકારના નિર્ણયનેો બચાવ કર્યો હતો. 

બન્ને પક્ષકારોના વકીલોએ ૧૬ દિવસ સુધી ચાલેલી આ સુનાવણી દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા આર્ટિકલ ૩૭૦ હટાવવાનો નિર્ણય બંધારણીય છે કે કે નહીં તેના પર પણ ચર્ચા થઇ હતી. અરજદારોએ એવી દલીલ કરી હતી કે આર્ટિકલ ૩૭૦ માત્ર બંધારણ સભા દ્વારા જ હટાવી શકાય, કેન્દ્ર સરકાર દ્વારા નહીં. જમ્મુ કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન છે, તેને પણ પડકારવામાં આવ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવશે તેનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે. હાલ સુપ્રીમ કોર્ટે દરેક દલિલોને સાંભળીને સુનાવણી પૂર્ણ કરી લીધી છે. હવે આ મામલે આગામી દિવસોમાં પોતાનો ચુકાદો સંભળાવશે.