×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Aditya L1 : સૂર્યના કોરોનાનું તાપમાન 20 લાખ ડિગ્રી સુધી, આ રહસ્ય સૂર્ય યાન માટે મોટો પડકાર


ચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર ટકેલી છે. ઈસરો દ્વારા સૂર્ય મિશન આદિત્ય-L1(Aditya L1)નું સફળ લોન્ચિંગ બાદ હવે તેના દ્વારા મોકલવામાં આવતા ડેટાને લઈ વિશ્વની મોટી મોટી એજન્સીઓ આંખ ટકાવીને બેઠી છે. આ સૂર્યયાન પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલ L-1 પોઇન્ટ પરથી સૂર્યનો અભ્યાસ કરશે. જો કે સૂર્યના આકરા તાપ વચ્ચે આ કામ જરા પણ સરળ નથી. સૂર્યની તીવ્ર ગરમીનો સામનો કરવા માટે આ મિશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સૂર્યનું ઉપરનું વાતાવરણ મુખ્યત્વે ત્રણ સ્તરોમાં વહેંચાયેલું છે. ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના. કોરોના એ સૌથી બહારનું સ્તર છે.

ગ્રહણ દરમિયાન જોવા મળતા આ સ્તરનું તાપમાન 20 લાખ ડિગ્રી સેલ્સિયસ

આદિત્ય L1ને L-1 પોઈન્ટ પર પહોંચવા માટે 145 દિવસનો સમય લાગશે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ મિશનથી મળેલી માહિતીની રાહ જોઈ રહ્યું છે. વાસ્તવમાં કોરોના એ સૂર્યનું સૌથી સૌથી બહારનું આવરણ છે. પરંતુ તેનું તાપમાન અન્ય બે સ્તરો કરતાં 500 થી 2 હજાર ગણું વધારે છે. તેની જાડાઈ લગભગ 10 હજાર કિલોમીટર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ સ્તરનું તાપમાન 10 થી 20 લાખ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. અહીં ચાર્જ થયેલા વાયુઓની જ્યોત લહેરાતી રહે છે. આ સ્તર ગ્રહણ દરમિયાન જ જોઈ શકાય છે.

ક્રોમોસ્ફીયર

સૂર્યમાં ઉપરથી નીચે તરફ આગળ વધ્યે તો બીજું સ્તરએ ક્રોમોસ્ફીયર છે જે કોરોનાની નીચે અને ફોટોસ્ફિયરની ઉપર આવેલ છે. એવું માનવામાં આવે છે કે આ સ્તર ત્રણ હજાર કિલોમીટર જાડું છે. આ સ્તર લાલ રંગનું છે અને તેનો દેખાવ હાઇડ્રોજન બળી જાય ત્યારે જે રીતે રંગ દેખાય છે તેવો જ છે. અહીંથી સૌર તરંગો ઉત્પન્ન થાય છે જે કોરોના સુધી પહોંચે છે. આ સ્તરનું તાપમાન સાત હજારથી 14 હજાર ડિગ્રી સેલ્સિયસ હોવાનું કહેવાય છે.

ફોટોસ્ફિયર

આ ત્રણ સ્તરોમાં સૌથી નીચે ફોટોસ્ફિયર આવેલ હોય છે. આ સ્તરમાંથી નીકળતો પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે અને આપણા બધાને પ્રકાશ આપે છે. મોટાભાગની ઊર્જા આ સ્તરમાંથી નીકળે છે જે પૃથ્વી પર પહોંચે છે. UV કિરણો, મેગ્નેટિક વિકિરણ અને રેડિયો તરંગો પણ અહીંથી બહાર આવે છે. આ સ્તરનું તાપમાન 4000 થી 6000 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સૂર્યના ઉપરના સ્તરનું તાપમાન આંતરિક સ્તરો અને કેન્દ્ર કરતાં આટલું વધારે કેમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સૂર્ય પર આવતા વાવાઝોડાને કારણે ઉપરનું પડ એટલું ગરમ ​​થઈ જાય છે. આદિત્ય L1 મિશન આ તમામ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરશે.