×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારી શાળામાં ધો.12માં 75% લાવનાર વિદ્યાર્થીઓને સ્કૂટી આપવાની MP સરકારની વિચારણા

સાગર, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર શાળાઓમાં ધોરણ-12માં 75 ટકા લાવનાર તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સ્કૂટી આપવાનો વિચાર કરી રહી છે. હાલ માત્ર શાળાઓમાં ટોપ કરનાર ધોરણ-12 વિદ્યાર્થીને જ સ્કૂટી આપવામાં આવે છે. જ્યારે 75 ટકાથી વધુ માર્ક્સ લાવનારને લેપટોપ દેવામાં આવે છે.

ચૂંટણી પહેલા પોલિસી બનાવી શકે છે સરકાર

ધોરણ-12માં 75 ટકા માર્ક્સ લાવનારા તમામ વિદ્યાર્થીઓને સ્કૂટી આપવાની યોજના આકાર પામી શકે છે. આ જાહેરાત ચૂંટણી પહેલા થઈ શકે છે. જોકે હાલ માત્ર વિચારણા ચાલી રહી છે. જો આ યોજના ફાઈનલ થઈ જશે તો આગામી સત્રથી લાગુ કરવામાં આવશે, કારણ કે વર્તમાન સત્રમાં તાજેતરમાં જ બાળકોને સ્કૂટી અને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

શહેરી વિકાસ અને આવાસ મંત્રીએ આપી માહિતી

ઉલ્લેખનિય છે કે, 75 ટકા લાવનારા તમામ વિદ્યાર્થીઓને સ્કૂટી આપવાની સરકાર વિચારણા કરી રહી છે. શહેરી વિકાસ અને આવાસ મંત્રી ભૂપેન્દ્ર સિંહે સાગરમાં સ્કૂટી વિતરણના જાહેર કાર્યક્રમમાં આ અંગેની માહિતી આપી હતી. ભુપેન્દ્ર સિંહ સ્થાનિક પીટીસી મેદાન પર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૂટી વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા. કાર્યક્રમમાં 256 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૂટી અપાઈ... તેમણે કહ્યું કે, સરકારે 75 ટકાથી વધુ માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કર્યું... હાલ શાળામાં ટોપ આવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જ સ્કૂટી અપાઈ રહી છે. અન્ય બાળકોને પણ સ્કુટી મળે તે માટે સરકાર ટૂંક સમયમાં આ યોજનાનો વ્યાપ વધારશે...

359ને લેપટોપ, 256ને સ્કૂટી અપાઈ

મંત્રી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ સરકારની શિષ્યવૃત્તિ, ડ્રેસ, પાઠ્ય પુસ્તક, મધ્યાહન ભોજન, છાત્રાલય, સાયકલ, લેપટોપ સહિત અન્ય યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને લાભ આપવાના પણ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીમાં બાળકોના ભણતર માટે સરકારે યોજનાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્કૂટી વિતરણ કાર્યક્રમ પહેલા 75 ટકાથી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને લેપટોપ આપ્યા હતા, જેમાં સાગર જિલ્લાના 359 વિદ્યાર્થીઓને લેપટોપની રકમ અપાઈ... આ જ રીતે ગઈકાલે વધુ 256 વિદ્યાર્થીઓને સ્કૂટી આપવામાં આવી રહી છે.