×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રક્ષાબંધન પર્વે રૂ.10 હજાર કરોડનો બિઝનેસ થવાનો કેટનો અંદાજ, આ સેક્ટરોમાં જોવા મળશે તેજી

નવી દિલ્હી, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે... રક્ષાબંધન પણ નજીક આવી ગઈ છે... ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધનથી માર્કેટમાં છવાયેલી મંદી દુર થવાનું શરૂ થઈ જશે. વેપારીઓના અંદાજ મુજબ, રક્ષાબંધન પર 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. ઉપરાંત આ વર્ષના અંત સુધી મોટાભાગના સેક્ટરો મંદીમાંથી ઉગરી ઝગમગતા જોવા મળશે. રક્ષાબંધનથી લઈને વર્ષના અંત સુધીમાં વિવિધ સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે. આમ થવાથી વેપારીઓના લાભ તો થશે જ... ઉપરાંત રોજગારની તકો પણ વધશે.

રક્ષાબંધન સંબંધિત બિઝનેસમાં 5 વર્ષમાં 7 હજાર કરોડ રૂપિયાની વૃદ્ધિ

ગત વર્ષ માર્કેટમાં મંદી છવાયેલી જોવા મળી હતી, તે દરમિયાન રક્ષાબંધન પર કુલ રૂપિયા 7 હજાર કરોડનો બિઝનેસ થયો હતો, જ્યારે વર્ષ 2021માં 6 હજાર કરોડ રૂપિયા બિઝનેસ થયો હતો. 2020ની વાત કરીએ તો રક્ષાબંધન પર્વે 5 હજાર કરોડ, 2019માં 3500 કરોડ અને વર્ષ 2018માં લગભગ 3 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. જો કેટનું માનીએ તો દર વર્ષે રક્ષાબંધન પર્વે એક હજાર કરોડની વૃદ્ધિ થઈ રહી છે.

રક્ષાબંધન પર્વે આ સેક્ટરોમાં થશે વૃદ્ધિ

વેપારીઓના સંગઠન કેટના અંદાજ મુજબ આ વર્ષે રક્ષાબંધન પર કપડાં ઉદ્યોગ ઉપરાંત ઓટોમોબાઈલ, લેપટોપ, મોબાઈલ અને એફએમસીજી સેક્ટરની વસ્તુઓનો વપરાશમાં વૃદ્ધિ થશે અને આ સેક્ટરોની કામગીરી પણ ઝડપી ગતિએ આગળ વધશે.

ભાઈને રાખડી બાંધવાનો શુભ સમય

ઉલ્લેખનિય છે કે, આ વખતે રક્ષાબંધનની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તેને લઈને મતમતાંતર સર્જાયા છે. કેટલાક જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે 31 ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે. શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે. શક્તિપીઠ અંબાજીમાં 31 ઓગસ્ટે જ પૂનમ ભરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા પ્રસિદ્ધ દ્વારકાધિસ મંદિર ખાતે કાળિયા ઠાકોરને જનોઇ 30 ઓગસ્ટના બપોરે ૧૨ બાદ બદલવામાં આવશે જ્યારે ત્યાં પૂનમ 31 ઓગસ્ટ છે. આવી જ રીતે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ 31 ઓગસ્ટના જ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે. જોકે ગુજરાતની વાત કરીએ તો જ્યોતિષીઓ મુજબ રક્ષાબંધન 2 દિવસ નહીં એક જ દિવસ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂણમા તિથિ 30 ઓગસ્ટની સવારે 10:58થી 31 ઓગસ્ટની સવારે 7:58  સુધી રહેવાની છે.