×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મધ્યપ્રદેશ : કોંગ્રેસના ગઢમાં ભાજપ બનાવશે ‘શ્રી હનુમાન લોક’ : CM શિવરાજે કર્યું ભૂમિ પૂજન, આવું દેખાશે મંદિર, જુઓ VIDEO

છિંદવાડા, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર

કર્ણાટકની જેમ હવે મધ્યપ્રદેશમાં પણ બજરંગ બલી એટલે કે હનુમાન ભગવાનને લઈ બંને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. કોંગ્રેસ અગાઉથી જ કમલનાથને હનુમાન ભક્ત કહી રહી છે, ત્યારે હવે કમલનાથના ગઢમાં ભાજપે એન્ટ્રી મારી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જામસાંવલી હનુમાન મંદિરે વિકસીત કરવાની યોજના બનાવી છે. આજે મુખ્યમંત્રીએ ‘શ્રી હનુમાન લોક’નું ભૂમિપૂજન પણ કર્યું છે.

છિંદવાડામાં બની રહેલા શ્રી હનુમાન લોકની વિશેષતા

  • જામસાંવલીમાં 26 એકરથી વધુ વિસ્તારમાં શ્રી હનુમાન લોક બનશે.
  • પ્રથમ તબક્કામાં 35 કરોડ 9 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કાર્ય શરૂ કરાશે.
  • મરાઠાવાડા વાસ્તુકલાની જેમ ભવ્ય પ્રવેશ દ્વાર બનાવાશે અને તેમાં ભગવાનની વિરાટ સ્વરૂપની છબી જોવા મળશે.
  • મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રથમ પરિસર સુધી 500 મીટર લાંબો ચિરંજીવી પથ બનાવાશે.
  • ચિરીજીવી પથ ઉપરાંત પરિસરમાં 90 હજાર વર્ગફુટમાં કલાકૃતિઓ દ્વારા અંજની પુત્ર હનુમાનજીના બાળ સ્વરૂપનું કલાકૃતિઓ દ્વારા સુંદર નિરૂપણ કરાશે.
  • પરિસરમાં 62 હજાર વર્ગફુટમાં મૂર્તિઓ તેમજ કલાકૃતિઓ દ્વારા ભક્ત-શિરોમણી હનુમાનજીના ભક્તિ સ્વરૂપોનું નિરૂપણ કરાશે.
  • રામલીલા તેમજ અન્ય ધાર્મિક આયોજનો માટે નદી કિનારે 12 હજાર વર્ગફુટમાં ઓપન એર થિયેટર બનાવાશે.
  • પરિસરમાં આયુર્વેદિક ચિકિત્સાલય બનાવાશે.
  • મંદિર પાસેના નદી કિનારે બ્યુટિફિકેશન અને લેન્ડસ્કેપિંગ દ્વારા ભક્તો માટે બેઠક વ્યવસ્થા બનાવાશે.
  • 37 હજાર વર્ગફુટમાં કોમ્યુનિટી સેન્ટર, જન સુવિધાઓ, ટ્રસ્ટ ઓફિસ, વહિવટી તંત્રનું કાર્યાલય તેમજ કંટ્રોલ રૂમ બનાવાશે.
  • 120 દુકાનો તેમજ ફૂડ કોર્ટ બનાવાશે.
  • 400 ફોર વ્હિલર્સ-400થી વધુ ટુ-વ્હિલર્સ માટે દોઢ લાખ વર્ગફુટમાં પાર્કિંગ બનાવાશે.

બીજા તબક્કા આ કામગીરી પૂર્ણ કરાશે

રામટેકરી પર્વતની પરિક્રમા માટે સંજીવની પથનો વિકાસ, અષ્ટસિદ્ધિ કેન્દ્ર અને સંસ્કૃત વિદ્યાલય, યોગશાળા પ્રવચન હોલ અને ઓપન એર થિયેટર, જામ નદી પર ઘાટનું નિર્માણ, વોટર ફ્રન્ટ પાથ-વે અને બેઠક વ્યવસ્થા, ભક્તોના રહેવાની સુવિધા, ભોજશાળા અને ગૌશાળા

શ્રદ્ધાનું મોટું કેન્દ્ર ‘જામસાંવલી હનુમાન મંદિર’

છિંદવાડામાં આવેલું જામસાંવલી મંદિર દેશભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તેમજ દેશભરમાંથી ભક્તો ભગવાન હનુમાનજીના દર્શન અને તેમના આશિર્વાદ મેળવવા આવતા હોય છે. અહીં ભગવાનની મૂર્તિની નાભીમાંથી સતત પાણી વહેતું રહે છે. ઉપરાંત અહીં ભક્તો તેમની બાધા પૂરી કરવા પણ બહોળી સંખ્યામાં આવતા હોય છે.

છિંદવાડા કમલનાથનો ગઢ

છિંદવાડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગઢ છે. અહીં સિમરિયામાં કમલનાથે 108 ફુટ ઊંચી હનુમાન ભગવાનની મૂર્તિ અને મંદિરનું નિર્માણ કરાવ્યું છે. કમલનાથ પોતે પણ ભગવાન હનુમાનના ભક્ત છે. તેમણે તાજેતરમાં જ હનુમાનજીની મૂર્તિ પાસે પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કથાનું આયોજન કર્યું હતું. કમલનાથ પોતે છિંદવાડામાં 40 વર્ષ સુધી સાંસદ રહ્યા અને હવે તેમના પુત્ર નકુલનાથ અહીંથી સાંસદ છે.