×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરમાં ફરી હિંસા… 2 જૂથો વચ્ચે અથડામણ-વિસ્ફોટ-ગોળીબાર, 1નું મોત, 4 આતંકી ઝડપાયા

ઈમ્ફાલ, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર

મણિપુરમાં ત્રણ મહિના વિતવા છતાં હજુ પણ હિંસાઓ અટકતી નથી... આજે બિષ્ણુપુરામાં વિસ્ફોટ, ગોળીબાર અને અથડામણની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં ફરી ફાયરિંગ થયું છે, જેમાં એક વ્યક્તિનું મોત, જ્યારે અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. નારીનસેના ગામમાં 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાતા ભારે તણાવ સર્જાયો છે.

સુરક્ષામાં તૈનાત સ્વયંસેવકનું મોત

પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં ગામની સુરક્ષામાં તૈનાત એક સ્વયંસેવકનું મોત થયું છે. તેઓ રાહત કેમ્પમાં રહેતા હતા... ત્યાં અચાનક બોંબ ફૂટ્યો હતો... જ્યારે ફાયરિંગમાં અન્ય વ્યક્તિને ગોળી વાગી છે, જેને હોસ્પિટલ લઈ જવાયો છે અને તેની હાલત સ્થિર છે... હાલ અહીં સુરક્ષા દળો સહિત પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે... મામલો થાળે પાડવાના પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે...

4 આતંકવાદી પકડાયા, હથિયારો-દારુગોળો મળ્યો

આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા દળ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આજે 4 આતંકવાદીઓને પકડી લેવાયા છે. આ આતંકવાદીઓ જુદા જુદા સંગઠનના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ આતંકીઓ પાસેથી હથિયારો અને દારુગોળો જપ્ત કર્યો છે, જેમાં 6 હથિયારો, 5 કાર્ટેજ અને 2 વિસ્ફોટક સામેલ છે. પકડાયેલા આતંકવાદીઓ NSCN (આઈએમ) અને પીપુલ્સ લિબરેસન પાર્ટી (પીએલએ) વગેરે સંગઠનો સાથે સંકળાયેલા છે. આ લોકોને ઈમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. હાલ સુરક્ષા દળો દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 6500થી વધુ પોલીસ કેસ

ઉલ્લેખનિય છે કે, કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી હિંસાથી માત્ર મણિપુરમાં જ નહીં આખા દેશમાં ખળભળાટ મચ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો બેઘર થયા હોવાથી પડોશી રાજ્યમાં આશ્રય લેવા મજબુર બન્યા છે. હિંસા મામલે અત્યાર સુધીમાં 6500થી વધુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અગાઉ મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી

ઉલ્લેખનિય છે કે, જુલાઈમાં મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દેશભરમાં રોષ ભભુક્યો હતો. આ ઘટના 4 મેએ બની હતી. 1000 સશસ્ત્ર હુમલાખોરોએ કાંગપોકલી જિલ્લાના બી ફાઈનોમ ગામ પર હુમલો કર્યો... ત્યારે હુમલાના ડરથી કૂકી સમાજના 2 પુરુષ અને 3 મહિલાઓ જંગલમાં જઈને છુપાયા, પણ તેમને હુમલાખોરોએ પકડી લીધા હતા. ત્યારબાદ તેમને નોનપોક સેકમાઈ પોલીસે છોડાવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ ભીડ તેમને પોલીસ પાસેથી છિનવી લીધા હતા. 56 વર્ષના વ્યક્તિની ત્યાં જ હત્યા કરી દેવામાં આવી અને મહિલાઓને નિવસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી અને યુવતી પર જાહેરમાં સામુહિક દુષ્કર્મ કરાયું... તેના 19 વર્ષના ભાઈએ તેની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, તો તેની પણ હત્યા કરી દેવાઈ... બાદમાં ત્રણેય મહિલાઓ કોઈક રીતે જીવ બચાવી શકી.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 152 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.