×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રક્ષાબંધનથી ભારે વરસાદની આગાહી, આગામી પાંચ દિવસ મેઘ મહેરની શક્યતા

નવી દિલ્હી, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર

દેશભરમાં આવતીકાલે એટલે કે બુધવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે... બહેનો ભાઈના ઘરે જઈને રાખડી બાંધવાની ઉતાળવામાં હશે... ત્યારે ઘરની બહાર નિકળતા પહેલા જાણી લો કે હવામાન વિભાગે ગુજરાત સહિત કયા કયા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના ઘણા રાજ્યોમાં રક્ષાબંધનના તહેવારથી લઈને આગામી પાંચ દિવસ વરસાદ જોર જોવા મળશે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઘણા દિવસથી લોકો બફારા તેમજ ગરમીનો સામનો કરી રહ્યા છે, જોકે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યના લોકોને ઠંડકનો અહેસાસ થશે. ભારતીય હવામાન વિભાગ - IMDએ દેશના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન અંદામાન-નિકોબાર, ઉત્તરપૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં શનિવારથી વરસાદ પડી શકે છે.

પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

આઈએમડીની આગાહી મુજબ, અરૂણાચલ પ્રદેશમાં આવતીકાલ રક્ષાબંધનથી જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ઉત્તરપૂર્વ ભારતના પણ કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આસામ અને મેઘાલયમાં પણ ગુરુવારથી શુક્રવાર સુધી એટલે કે ત્રણ દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં 5 દિવસનું એલર્ટ

આઈએમડીના જણાવ્યા મુજબ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત આ રાજ્યોમાં ભારે પવન ફુંકાવાની પણ શક્યતા છે. જ્યારે પૂર્વ ભારતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો કેટલાક ભાગોમાં વીજળી પડવાની અને ભારે વરસાદનું પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઓડિશામાં શનિવારે આવી સ્થિતિ રહેશે. અંદામાન અને નિકોબાર ટાપુઓ પર સામાન્ય વરસાદ સાથે 30થી 40ની ગતિએ પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલ મંગળવારથી શનિવાર એટલે કે 5 દિવસ સુધી ઉત્તરપૂર્વથી દક્ષિણ સુધી વરસાદ પડવાની સંભાવના છે. મંગળવાર, શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે તમિલનાડુ, પુડુંચેરી અને કરાઈકલમાં મંગળવારથી શુક્રવાર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેરળમાં મંગળવારથી બુધવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં હવામાનમાં વધુ ફેરફારો જોવા મળ્યા નથી.

ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદનું એલર્ટ

ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં મેઘરાજા ગાયબ થયા હોવાના કારણે બફારો અને ગરમીનો જોર વધ્યું છે, જોકે આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેના કારણે ગરમી-બફારામાંથી રાહત મળશે... કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ હળવોથી સામાન્ય વરસાદ થવાની, ત્યારબાદ વાતાવરણમાં પલટો આવવાના કારણે વરસાદનું જોર ઓછું થવાની આગાહી કરાઈ છે. જોકે ત્યારબાદ ફરી ગરમીમાં એટલે કે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, રાજ્યમાં કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે આવતીકાલે રક્ષાબંધન પર્વે નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચૌહાણે કહ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યાત ઘણી ઓછી છે અને અહીં 7 દિવસ સુધી ડ્રાય રહેશે. આગામી એક અઠવાડિયા સુધી કોઈપણ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી નથી.