×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલનમાં પવાર સાથે આદિત્ય ઠાકરે પણ ઊતર્યા, મહારાષ્ટ્રના ખેડૂત મતદારોને રીઝવવાના પ્રયાસ


- આજે મુંબઇના આઝાદ મેદાનમાં રેલી યોજાશે

મુંબઇ તા.25 જાન્યુઆરી 2021 સોમવાર

દેશના પાટનગર નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કરવા આજે મુંબઇમાં યોજાએલી ખેડૂત રેલીમાં શિવસેનાના આદિત્ય ઠાકરે પણ જોડાવાના છે. અત્યાર અગાઉ એનસીપીના શરદ પવારે ખેડૂત રેલીમાં જોડાવાની જાહેરાત કરી હતી.

ઓલ ઇન્ડિયા કિસાન મહાસભા આયોજિત રેલીમાં નાસિકથી પગે ચાલીને હજારો ખેડૂતો મુંબઇ પહોંચી રહ્યા હતા. મુંબઇના આઝાદ મેદાનમાં આજે રેલી યોજાશ જે ત્યારબાદ ગવર્નર હાઉસ ભણી મોરચો લઇ જશે. કેન્દ્ર સરકારે ઘડેલા ત્રણ નવા કૃષિ  કાયદા પાછા ખેંચવા માટે છેલ્લા 57-58 દિવસથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે.

હવે એ આંદોલનની આગ દેશના આર્થિક પાટનગર સમા મુંબઇમાં પહોંચી રહી હતી. મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરવા અને પોતાનું સ્થાન સુદ્રઢ કરવા હવે શરદ પવાર અને શિવસેનાના આદિત્ય ઠાકરેએ ખેડૂત રેલીમાં જોડાવાની જાહેરાત કરી હતી. કેટલાક કોંગ્રેસી નેતાઓ પણ આ રેલીને સંબોધવાના છે. સાથોસાથ ડાબેરી નેતાઓ પણ આ રેલીમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. 

આ ખેડૂત રેલી ગવર્નર હાઉસ પહોંચીને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ ભગત સિંઘ કોશ્યારીને એક નિવેદન સોંપશી અને પ્રજાસત્તાક દિને આઝાદ મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

વાસ્તવમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ખેડૂતો મહત્ત્વના ગણાય છે. દેવાદાર ખેડૂતોએ સૌથી વધુ આપઘાત પણ મહારાષ્ટ્રમાં કર્યા હતા. કોંગ્રેસ અને એનસીપીની વગ મહારાષ્ટ્રના ખેતીવાડી પ્રધાન વિસ્તારોમાં છવાયેલી છે. એટલે શરદ પવારે ખેડૂત રેલીમાં જોડાવાની જાહેરાત કરી હતી.

બીજી બાજુ શિવસેનાની સૌથી વધુ વગ શહેરી વિસ્તારોમાં છે. આ ખેડૂત રેલી નિમિત્તે શિવસેના પણ ગ્રામીણ વિસ્તારોમાં પગદંડો જમાવવા રેલીમાં જોડાશે.

છેલ્લા દેાઢેક માસથી ખેડૂતો નવા કૃષિ કાયદા વિરોધી આંદોલન કરી રહ્યા હતા. શરૂમાં એવી છાપ પડી હતી કે માત્ર પંજાબ અને હરિયાણાના ખેડૂતો આ આંદોલન કરી રહ્યા છે. પરંતુ ધીમે ધીમે બીજાં રાજ્યોના ખેડૂતો પણ એમાં જોડાતા થયા હતા. આ સંજોગોનો લાભ લેવા કેટલાક રાજકીય પક્ષોએ ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કર્યો હદતો.  અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે દસથી વધુ વખત મંત્રણાઓ થઇ ચૂકી હતી. કેન્દ્ર સરકારે ખેડૂતોની પચાસ ટકાથી વધુ માગણી સ્વીકારી લીધી હતી પરંતુ હવે ખેડૂતો ત્રણે કૃષિ કાયદા રદ કરવાની માગણી પર જિદે ભરાયા હતા.