×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં બસ-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, વિધાનસભાના 2 કર્મી સહિત 6ના મોત, 12 ઈજાગ્રસ્ત

રામનગર, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

કર્ણાટકમાં આજે ભીષણ અકસ્માત થવાની ઘટના સામે આવી છે, જેમાં 6 લોકોના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ રાજ્યના કનકપુર તાલુકામાં સાતનૂર કેમ્મલે ગેટ પાસે બાસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો છે, જેમાં કારમાં સવાર તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે KSRTCની બસના 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતા અહેવાલો મુજબ બસના ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

બસમાં સવાર 12 લોકો ઈજાગ્રસ્ત

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચામરાજનગર જિલ્લાના માલેમહાદેશ્વર મંદિરથી પરત રહેલી કાર અને બેંગલુરથી મંડ્યાના માલવ્લીલ જઈ રહેલી બસ સામે-સામે ધડાકાભેર અથડાઈ છે. અકસ્માતમાં કારનો ખુડદો બોલાઈ ગયો છે, જ્યારે બસનો આગળનો ભાગ સંપૂર્ણ નુકસાન પામ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બસમાં સવાર 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સાતનૂર હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને રામનગર જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવાયા છે. 


બસ અને કાર બંનેની સ્પીડ વધુ હોવાના કારણે અકસ્માત સર્જાયો

આ અકસ્માત બેંગલુરુ-કોયમ્બતુર હાઈ-વે નં.948 પર કેમ્મલે ક્રોસ પાસે સાંજે 5 વાગ્યાની આસપાસ થયો છે, જેમાં ટોયોટા ક્વોલિસ નં.KA 01 MF 8055માં સવાર 6 લોકોના મોત થયા છે. જ્યારે કેએસઆરટીસીની બસ નં. KA 42 F1745 માંડ્યા પાસે કનકપુરના હલાગુર તરફ જઈ રહી હતી. હાલ પોલીસના અંદાજ મુજબ બસ અને કાર બંનેની સ્પીડ વધુ હોવાના કારણે અકસ્માત સર્જાયો છે, જોકે હજુ અકસ્માતનો કારણોની તપાસ ચાલુ છે.

2 મૃતકો વિધાનસભાના કર્મચારી

મૃતકોમાંથી 3 નાગેશ, ગોવિંદા અને કુમારા ધારાસભ્ય ગૃહની એક હોટલમાં કામ કરતા હતા. તેઓ ધારાસભ્યો અને એમએલસીને રૂમો ઉપલબ્ધ કરાવતા હતા. ચોથા મૃતકનું નામ પુટ્ટારાજુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચમા મૃતક જ્યોતિલિંગપ્પા વિધાનસભા વિભાગમાં સેક્શન ઓફિસર હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છઠ્ઠા મૃતક શાંત કુમાર વિધાનસભા વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ હતા. પોલીસે જણાવ્યું કે, આ તમામ મૃતકો મિત્ર હોવાનું સામે આવ્યું છે. જ્યારે બસના ડ્રાઈવર બીટી નાગરાજની સ્થિતિ ગંભીર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તમામ મૃતદેહોને કનકપુરાની સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે તેમજ આ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર પણ ચાલી રહી છે. હાલ સાતનૂર પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે.