×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

World Cup 2023 : ટીમ ઈન્ડિયાના સંભવિત 19 ખેલાડીઓના નામ આવ્યા સામે, 3 ધૂરંધરો થઈ શકે છે બહાર

Image - icc-cricket.com

નવી દિલ્હી, તા.08 ઓગસ્ટ-2023, મંગળવાર

આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023 માટે ભારતીય ટીમની સંભવિત 19 સભ્યોની ટીમ લગભગ તૈયાર થઈ ગઈ છે. બીસીસીઆઈના સિલેક્ટર્સ આ 19 ખેલાડીઓમાંથી કયા 15 ખેલાડીઓને વર્લ્ડકપમાં રમવાની તક આપશે, એ જોવાની વાત છે... વેસ્ટઈન્ડિઝ પ્રવાસ દરમિયાન સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસનનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું, આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓને પસંદગીના 15માં સામેલ કરવા પર સંકટ દેખાઈ રહ્યું છે.

8મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ

વધારાના બોલર તરીકે જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરમાંથી કોઈ એકને જગ્યા મળી શકે છે. વર્લ્ડકપની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. જોકે વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ 8મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ભારત એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હોમ સિરિઝ માટે 16થી 18 ખેલાડીઓની પસંદગી કરી શકે છે. જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરને શ્રીલંકામાં યોજાનારો એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની 3 સિરીઝમાં તક મળવાનું નક્કી છે. જ્યારે ઈજાગ્રસ્ત કે.એલ.રાહુલ અને શ્રેયસ અય્યરના આવવાથી ભારતની સ્થિતિ વધુ મજબુત થશે.

ત્રીજો સ્પીનર કોણ હશે ?

ટીમમાં વધારાના ઝડપી બોલર અને ત્રીજા સ્પિનરને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી... જસપ્રીત બુમરાહે ઈજામાંથી બહાર આવી મેદાનમાં પરત ફર્યો છે. આ જ રીતે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનું પણ રમવાનું નક્કી છે. જ્યારે હાર્દિક પંડ્યા ચોથા ઝડપી બોલરની ભૂમિકા નિભાવશે. શાર્દુલ ઠાકુરની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન 3 મેચમાં 8 વિકેટ ઝડપી હતી. જ્યારે જયદેવ ઉનડકટને ડાબા હાથનો ઝડપી બોલર હોવાનો ફાયદો મળી શકે છે. ઉપરાંત ડાબા હાથના વધુ એક ઝડપી બોલર અર્શદીપ સિંહને એશિયન ગેમ્સ માટે ટીમમાં પસંદ કરાયો છે. આવી સ્થિતિમાં ઉનડકટ વર્લ્ડકપની ટીમમાં જગ્યા મેળવવાની સ્પર્ધામાં પહોંચી ગયા છે. જ્યારે ત્રીજા સ્પિનર અક્ષર પટેલ યજુવેન્દ્ર ચહલથી આગળ હોવાનું દેખાઈ રહ્યું છે. જોકે તે રવિન્દ્ર જાડેજાની જેમ જ બોલીંગ કરે છે. એશિયા કપ માટે ભારતીય ટીમનું સિલેક્શન આ સપ્તાહના અંતે અથવા આગામી સપ્તાહે થવાની સંભાવના છે.

એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ભારતનું સંભવિત ટીમ

રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા (ઉપ-સુકાની), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, યુઝવેન્દ્ર ચહલ