×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WI પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પુજારા ટેસ્ટમાંથી આઉટ, વનડેમાં હાર્દિક વાઈસ કેપ્ટન

Image : Twitter

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા આગામી 12મી જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અજિંક્ય રહાણેને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે આ સિરીઝમાંથી અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને બહાર કરી દેવામાં આવ્યો છે.

ટેસ્ટ અને વનડેમાં રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળશે

BCCI દ્વારા આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્ટ અને વનડે સિરીઝમાં રોહિત શર્મા જ ટીમનું સુકાન સંભાળશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને ટેસ્ટ સિરીઝ માટે વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. જ્યારે વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી મળી છે.

શમીને વનડે અને ટેસ્ટ સિરીઝ માટે આરામ આપાયો

આ ઉપરાંત યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. યશસ્વી  જયસ્વાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો. આ સાથે જ ઝડપી બોલર મુકેશ કુમાર અને નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમીને વનડે અને ટેસ્ટ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ ઉમરાન મલિક અને સંજુ સેમસન પણ વનડે ટીમમાં પરત ફર્યા છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ, ઝડપી બોલર જયદેવ ઉનડકટ અને મુકેશ કુમારની પણ વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (C), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (vc), કેએસ ભરત (wk), ઈશાન કિશન (wk), આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

વનડે ટીમઃ રોહિત શર્મા (C), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (wk), ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (vc), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.