×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : WPL Finalમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ચેમ્પિયન બની, ફાઈનલમાં દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, નતાલી સીવરની ફિફ્ટી

Image -@mipaltan

મુંબઈ, તા.26 માર્ચ-2023, રવિવાર

મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન આજે પૂર્ણ થઈ છે. ફાઈનલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી દીધું છે. હરમનપ્રીત કૌરની ટીમે કમાલ કરી પ્રથમ સિઝનનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 134 રન બનાવીને મેચ જીતી લીધી છે.

મુંબઈ ફ્રાન્ચાઈઝે છઠ્ઠી ટ્રોફી જીતી

ઈંગ્લેન્ડની અનુભવી ખેલાડી નતાલી સીવર બ્રન્ટે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટીમને ખિતાબ જીતાડ્યો છે. દિલ્હીની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 134 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ ફ્રેન્ચાઈઝીના ખાતામાં આ છઠ્ઠી ટ્રોફી છે. તેની મેન્સ ટીમ આઈપીએલમાં 5 વખત ચેમ્પિયન બની છે.

નતાલી-હરમનપ્રીત વચ્ચે 72 રનની પાર્ટનરશીપ

નતાલી સીવરે અમેલિયા કેર સાથે ચોથી વિકેટ માટે 20 બોલમાં અણનમ 39 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. અમેલિયા કેર 8 બોલમાં 14 રન બનાવીને અણનમ રહી હતી. તો નતાલીએ અગાઉ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 74 બોલમાં 72 રનની પાર્ટનરશીપ કરી હતી. હરમનપ્રીત 39 બોલમાં 37 રન બનાવ્યા બાદ આઉટ થઈ ગઈ હતી. હિલી મેથ્યુઝે 13 અને યસ્તિકા ભાટિયાએ 4 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રાધા યાદવ અને જેસ જોનાસેને 1-1 વિકેટ ખેરવી હતી.

દિલ્હીની ઈનિંગ્સ

દિલ્હી કેપિટલ્સ ટીમની વાત કરીએ તો એક સમયે તેની 79 રનમાં 9 વિકેટ પડી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે, ટીમ 100 રનના સ્કોર સુધી પણ પહોંચી નહીં શકે... જોકે શિખા પાંડે અને રાધા યાદવે ઈનિંગ સંભાળી હતી. બંનેએ છેલ્લી વિકેટ માટે 24 બોલમાં અણનમ 52 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. રાધાએ 12 બોલમાં અણનમ 27 અને શિખાએ 17 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. રાધાએ પોતાની ઈનિંગમાં 2 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. તો શિખાએ 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.

દિલ્હીના દિગ્ગજ બેટ્સમેનોએ મેચમાં નિરાશ કર્યા હતા. સુકાની મેગ લેનિંગ સિવાય કોઈ પણ ખેલાડી વધુ સમય ક્રિઝ પર ટકી ન શકી... લેનિંગે 29 બોલમાં 35 રન કર્યા હતા. તે રનઆઉટ થઈ હતી. મરિજાન કૈપે 18 અને શેફાલી વર્માએ 11 રન કર્યા હતા. મુંબઈ તરફથી ઈસ્સી વોંગ અને હીલી મેથ્યુઝે 3-3 વિકેટ ઝડપી હતી. એમેલિયા કેરે 2 વિકેટ ઝડપી હતી.