×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : હિમાચલ કુદરતનો કહેર, પાર્વતી નદીમાં 10 કારો તણાઈ, 50 વર્ષ જૂનો પુલ તૂટ્યો, 700થી વધુ રસ્તા બંધ


શિમલા, તા.09 જુલાઈ-2023, રવિવાર

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે મોટી આફત સર્જી છે. અહીં પહાડોથી લઈ જમીન સુધી કુદરતે કહેર વરસાવ્યો છે. નદીમાં પૂરના ભયાનક વીડિયો સામે આવવા લાગ્યા છે, તો મંડી જિલ્લામાં નદીના ભારે વહેણમાં 50 વર્ષ જૂના પુલ વહી ગયો છે. તો બીજી તરફ કુલ્લુનો પર્યટન વિસ્તાર કસૌલમાં પાર્કિંગમાંથી 10 વાહનો પાર્વતી નદીમાં વહી ગયા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ જ રીતે કુલ્લીમાં એક કાર બ્યાસ નદીમાં વહી ગઈ છે.

50 વર્ષ જૂનો પુલ પણ પાણીમાં વહી ગયો

કસોલમાં રસ્તાના કિનારે હાઈવે પર વાહનો પાર્ક કરેલા હતા. આ દરમિયાન પાર્વતી નદીમાં પૂર આવ્યું હતું. લોકો કંઈ સમજે કે વાહનો હટાવે તે પહેલા ધમસમતા આવેલું નદીનું વહેણ તમામ વાહનોને ખેંચી ગયું હતું. આ જ રીતે મંડીમાં પૂરમાં કુલ્લુ-બંજાર-લુહરી-રામપુરાને જોડતો 50 વર્ષ જૂનો પુલ પણ પાણીમાં વહી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે આ પુલ વહી રહ્યો હતો, ત્યારે લોકોની ચીસોની પણ અવાજો સંભળાઈ રહી છે.

હરિયાણા-હિમાચલને જોડતો મઢાવાલા પુલ પણ પાણીમાં વહી ગયો

તો વધુ એક પુલ પણ પાણીમાં વહી ગયો હોવાની ઘટના સામે આવી છે. નાલાગઢમાં હરિયાણા-હિમાચલને જોડતો મઢાવાલા પુલ પણ પાણીમાં વહી ગયો છે. પાણીમાં પુલ વહી જવાના કારણે હિમાચલનો સૌથી મોટો ઈન્ડસ્ટ્રીયલ એરિયા બદ્દી બરોટીવાલા નાલાગઢનો દેશ-દુનિયા સાથે સંપર્ક તુટી ગયો છે. ભારે વરસાદ અને ઉછાળા લેતી નદીઓના કારણે લોકોએ બહાર આવવાનું પણ સંપૂર્ણ ટાળી દીધું છે. તો નેશનલ હાઈવે પિંજોર બદ્દી માર્ગ પર આવન-જાવન પણ બંધ થઈ ગઈ છે. મઢાવાલા નદીમાં ધમમસતા પાણીના કારણે પુલનો વચ્ચેનો ભાગ પાણીમાં વગી ગયો છે. પુલની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી છે.

હિમાચલમાં ક્યાં ક્યાં થયું નુકસાન

  • કુલ્લુ જિલ્લાના કે છરુડુમાં બિયાસ નદીની વચ્ચે ફસાયેલા 9માંથી 5 લોકોને બચાવી લેવાયા છે. NDRFની ટીમ બાકીના 4 લોકોને બચાવવા માટે પુરજોશમાં કામ કરી રહી છે.
  • મનાલી અને કુલ્લુ વચ્ચે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે.
  • કુલ્લુમાં વૈષ્ણો મંદિર પાસે ચંદીગઢ મનાલી ફોરલેનની 2 લેન નદીમાં ધોવાઈ ગઈ છે.
  • લેહ મનાલી હાઈવે પણ બંધ થઈ ગયો છે.
  • ચંદ્રતાલ તળાવ પાસે 200થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. લાહૌલ સ્પીતિના એસપી ઘટનાસ્થળે હાજર છે. અહીં લોકો માટે ખાવા-પીવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.
  • મનાલી કાઝા માર્ગ ફરી શરૂ કરવામાં 48 કલાકથી વધુનો સમય થઈ શકે છે.
  • હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ્લુ, ચંબા અને શિમલામાં 5 લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે સહિત 700થી વધુ રસ્તાઓ બંધ છે.

9-10 જુલાઈએ તમામ સરકારી-ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ

શિમલા જિલ્લા કુમારસૈનના મંઢોલીમાં ભુસ્ખલનના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે. ઉપરાંત મુખ્યમંત્રીએ 9 અને 10 જુલાઈએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ લોકોને નદીઓની નદી ન જવાની પણ અપીલ કરી છે.