×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : શિમલામાં ભૂસ્ખલન, ઘણા મકાનો-વૃક્ષો ધરાશાઈ, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

શિમલા, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં કૃષ્ણનગર વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું જેમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શિમલામાં ભૂસ્ખલનની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. શિમલામાં લાલ પાની વિસ્તારમાં બનેલા સ્લૉટર હાઉસની બિલ્ડિંગ એકાએક ધરાશાઇ થઇ હતી જ્યારે 5થી વધુ મકાન અને ગાડીઓને પણ ભૂસ્ખલનને કારણે નુકસાન થયું હતું. બિલ્ડિંગં પર એક ઝાડ પડતા ભવન ધરાશાઇ થયું હતું. ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શિમલાના એસપી સંજીવ ગાંધીએ પણ આ ઘટનાની પૃષ્ટી કરી છે અને ઘટનાસ્થળે બચાવ દળને રવાના કર્યું હતું.

શિમલામાં સતત ભૂસ્ખલનની ઘટનાઓ યથાવત્

આ પહેલા શિમલાના ફાગલીમાં કાટમાળમાંથી જીવતી બચેલી યુવતીનો વીડિયો સામે આવ્યો હતો. SSB જવાનોએ ઘટનાના 5 કલાક પછી યુવતીનું રેસક્યૂ કર્યું હતું. ફાગલીમાં સોમવારે 7 વાગ્યે ઘરમાં થયેલા ભૂસ્ખલનમાં 2 પરિવારના 10 લોકો દબાઇ ગયા હતા જેમાંથી પાંચને 5 કલાક રેસક્યૂ પછી બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે 5 લોકોના મોત થયા હતા.

હિમાચલમાં 58 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં 72 કલાકથી સતત વરસાદને કારણે વિનાશ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા છે. 26 લોકો કાટમાળમાં દબાવા અને વહેવાથી ગાયબ છે. મંડી જિલ્લામાં 24, શિમલામાં 16, સોલનમાં 11, કાંગડા-હમીરપુરમાં 3-3, ચંબા,કુલ્લૂ અને સિરમૌરમાં 1-1 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે હિમાચલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, 24 જૂને ચોમાસાની શરૂઆતથી રાજ્યને અત્યાર સુધીમાં 7,171 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાંથી વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઓછામાં ઓછી 170 ઘટનાઓ નોંધાઈ છે અને લગભગ 9,600 મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે.