×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : શિક્ષકે છીનવી લીધો મોબાઈલ તો 14 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલમાં લગાવી આગ, 20ના મોત

ગયાના, તા.26 મે-2023, શુક્રવાર

સાઉથ આફ્રિકી દેશ ગયાનામાં 14 વર્ષની વિદ્યાર્થિની દ્વારા સ્કુલને આગ લગાવી દેવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 20ના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ શિક્ષકે વિદ્યાર્થિનીનો મોબાઈલ છીનવી લેતા તે ગુસ્સા આવી ગઈ અને તેણે મોટું કારસ્તાન કરી નાખ્યું... ઘટનાને અંજામ આપ્યા પહેલા તેણીએ આગ લગાવવાની ધમકી પણ આપી હતી. ડેરી સ્ટારના અહેવાલો અનુસાર સોમવારે રાત્રે મહદિયા સેકન્ડરી સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં ઘણી વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ ફસાઈ ગયા હતા. આગ લાગતા જ તુરંત ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી, જોકે આગ ઓલવાય તે પહેલા 20 લોકોના મોત થઈ ગયા હતા.

ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીએ સળગાવી દીધી સ્કુલ

રાજધાની જોર્જ ટાઉનથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલ સેન્ટ્રલ ગુયાના માઈનિંગ ટાઉનમાં આ ગંભીર ઘટના બની છે. આ મામલે પોલીસે ખુલાસો કરતા કહ્યું કે, આગ લગાવનાર સ્કુલની વિદ્યાર્થિની જ હતી. શિક્ષકે તે વિદ્યાર્થિનીનો મોબાઈલ લઈ લેતા તેણી ગુસ્સે ભરાઈ હતી અને ગુસ્સામાં આવીને તેણીએ મોટી ઘટનાને અંજામ આપી દીધો. તે પોતે પણ આગમાં દાઝી ગઈ હતી.

પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

પોલીસે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, વિદ્યાર્થિની વૃદ્ધ વ્યક્તિના સંપર્કમાં હોવાની જાણ થતાં સ્કુલ વહિવટી તંત્રે તેણીનો મોબાઈલ જપ્ત કરી લીધો હતો, જેના કારણે તેણીએ ગુસ્સે ભરાઈ સ્કુલમાં આગ લગાવી દીધી હતી. ગુયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેરાલ્ડ ગોવિયાએ જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થિની ઉંમર લગભગ 14 વર્ષની છે. જ્યારે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો ત્યારે તેણે ગર્લ્સ હોસ્ટેલને આગ લગાડી દેવાની ધમકી આપી હતી.

મૃતકોમાં મોટાભાગની 12થી 18 વર્ષની છોકરીઓ

આગની ઘટનામાં આરોપી વિદ્યાર્થિની પણ ઈજાગ્રસ્ત થઈ છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરાશે. હોસ્પિટલમાં દાખલ અન્ય 9 લોકોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકોમાં મોટાભાગની ગામડામાંથી આવતી 12થી 18 વર્ષની છોકરીઓ હતી. શાળામાં કામ કરતી મહિલા કર્મચારીનો પાંચ વર્ષનો પુત્ર પણ આગનો શિકાર બન્યો. અગ્નિશમન દળના જવાનોએ દિવાલમાં કાણું પાડીને કેટલાક લોકોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી.