×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Video: વડોદરામાં દારૂ પીધેલા પુત્રની ધરપકડ થતાં ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું


વડોદરા, તા. 1 જાન્યુઆરી 2021, શનિવાર

31 નાઈટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી તેમાં ગઈ મોડીરાત્રે વોર્ડ નં.14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જેલમ બેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી ત્યારબાદ તેની ભાજપ કોર્પોરેટર માતાને જાણ થતા તેઓએ તેમના દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને હોબાળો મચાવતા મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી એટલું જ નહીં એક પોલીસ કર્મચારી નું જેકેટ પણ ખેંચાતાણીમાં ફાટી ગયું હતું.

થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું એટલું જ નહીં ફતેગંજ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા ઉપર બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

દરમિયાનમાં ગઈકાલે મોડી રાત્રે  ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસી નો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને તેને સીટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

આ કિસ્સાની જાણ ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીને થતા તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો  સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ કર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે તમે બધા તેને ફરી વળ્યા છો દૂર હટી જાઓ તેમ કહી હોબાળો મચાવ્યો હતો જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો.

પોલીસના કર્મચારીઓ અને ભાજપના મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદાર અને પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી જેમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ફાટી ગયું હોવાનું જાણવા મળે છે. પોલીસ સાથેના વર્તન અંગે ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટરના વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ સંભળાય છે.

પોલીસ સ્ટેશનમાં આવીને ભાજપ મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીએ તેમના દીકરાને માર્યો છે તેમ કહી હાજર રહેલા પોલીસ કર્મચારીઓનો ઉધડો લીધો હતો તે સમયે  કુણાલ ચોકસીને કસ્ટડીમાં લઇ જતા તેનો હાથ પકડતા જેલમ બેન ફરી ગુસ્સે થઈ હાથ પકડતા નહીં તેમ કહી હોબાળો મચાવ્યો હતો તેની સામે પોલીસ ના કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે દાદાગીરી કરો છો યોગ્ય નથી તમે કોર્પોરેટર છો એટલે શું થઈ ગયું તેમ કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

પોલીસ કયા પ્રકારનો ગુનો દાખલ કરે છે તે બાબતે પણ ભાજપ કોર્પોરેટર જેલમ બેન ચોકસીએ પોલીસ કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો એટલું જ નહીં પીવાના પાણીના મુદ્દે અને મારા દીકરા નો મોટો ગુનો કે એટલા બધા ગુના છે કે તેને એટલા બધા પોલીસવાળા જોઈએ તેમ કહી તમે અહીંથી ચાલ્યા જાવ તેમ જણાવતા ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી.

દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા કુણાલ ચોકસી સામે આખરે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી એટલું જ નહીં તેને છોડાવવા માટે પણ ભાજપના કેટલાક અગ્રણીઓએ પણ દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.