×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં ગંભીર દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત

અજમેર, તા.21 માર્ચ-2023, મંગળવાર

રાજસ્થાનમાં એક મેળા દરમિયાન ગંભીર દુર્ઘટના સામે આવી છે. અજમેરના કુંદન નગરમાં આવેલા ડિઝનીલેન્ડમાં મંગળવારે કેબલ તૂટવાના કારણે રાઈડ 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી છે. આ ઘટનામાં 7 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ રાઈડમાં કુલ 25 લોકો બેઠા હતા. અકસ્માત બાદ રાઈડનો સંચાલક સહિત તમામ દુકાનદારો મેળામાંથી ભાગી ગયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ આરંભી છે. કુંદન નગર વિસ્તારમાં 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલ દરબાર ડિઝનીલેન્ડ 28 માર્ચે સમાપ્ત થવાનું હતું. જોકે આજે મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ 25 લોકો રાઈડમાં બેઠા હતા. અચાનક કેબલ તૂટી ગયો અને રાઈડ ઊંચાઈ પરથી નીચે પડી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને JLN હોસ્પિટલમાં લઈ જવાયા છે. સિવિલ લાઇન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

રાઈડની ફિટનેસ ઠીક હતી, તૂટી પડવાની તપાસ થઈ રહી છે : અધિકારી

ADM સિટી ભાવના ગર્ગે જણાવ્યું કે, મેળાને સંબંધીત પરવાનગી લેવાઈ ગઈ હતી. મેળામાં રાઈડ લગાવવા માટે પણ પરવાનગી મંગાઈ હતી. રાઈડો અંગે સ્થળ તપાસ પણ થઈ હતી. નિરિક્ષણ દરમિયાન રાઈડ યોગ્ય હોવાથી પરવાનગી પણ આપવામાં આવી હતી. મંગળવારે અકસ્માત કેવી રીતે થયો અને અકસ્માતનું કારણ શું હતું તેની તપાસ કરવા સૂચના અપાઈ છે. તપાસમાં જે પણ દોષિતો હશે તેમની સામે કાર્યવાહી કરાશે.