×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ભારતને સમુદ્રમાં મળશે મોટી તાકાત : નેવીએ કર્યું બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી, તા.14 મે-2023, રવિવાર

ભારતીય નૌકાદળે રવિવારે ફ્રન્ટલાઈન ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મોરમુગાઓમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણથી સમુદ્રમાં નૌકાદળની મારક ક્ષમતા અને તાકાતમાં વધારો થયો છે. નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું કે, નવીનતમ ગાઈડેડ-મિસાઈલ વિધ્વંશક INS મોરમુગાઓએ તેની પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ દ્વારા ફાયરિંગ દરમિયાન ટાર્ગેટને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું છે.

INS મોરમુગાઓ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ-શ્રેણીના સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઈલ વિધ્વંશકનું બીજું જહાજ છે. અધિકારીએ જણાવ્યું કે, આ જહાજ અને તેના શક્તિશાળી શસ્ત્રો... બંને સ્વદેશી છે અને દરિયામાં ભારતીય નૌકાદળની ફાયરપાવરનું બીજું શાનદાર પ્રતીક છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ નૌકાદળની મહત્વની મિસાઈલ છે. આ મિસાઈલ પરીક્ષણથી નૌકાદળની શક્તિનું ફરી પ્રદર્શન કર્યું છે.

પરિક્ષણ સ્થળની માહિતી ગુપ્ત રખાઈ

જો કે જે જગ્યાએથી મિસાઈલનું પરિક્ષણ કરાયું તેની માહિતી ગુપ્ત રખાઈ છે. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ ઈન્ડો-રશિયન સંયુક્ત સાહસ છે અને તે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઉત્પાદન કરે છે. આ મિસાઈલ સબમરીન, જહાજો અને એરક્રાફ્ટ અથવા જમીન પરથી છોડી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલ 2.8 મૈક અથવા અવાજની ઝડપ કરતાં લગભગ ત્રણ ગણી વધુ ઝડપે ઉડે છે. ભારત બ્રહ્મોસ મિસાઈલની પણ નિકાસ કરી રહ્યું છે. ગત વર્ષે જાન્યુઆરીમાં ભારતે મિસાઈલની 3 બેટરીના સપ્લાય માટે ફિલિપાઇન્સ સાથે 37.5 કરોડ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.