×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : બાંગ્લાદેશમાં ખિચોખીચ ભરેલી બસ તળાવમાં ખાબકી, 8 મહિલા સહિત 17 મોત

ઢાંકા, તા.22 જુલાઈ-2023, શનિવાર

દક્ષિણ-પશ્ચિમ બંગાળમાં આજે મોટા બસ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ખિચોખીચ ભરેલી બસ મોટા તળાવમાં પલટી ગઈ છે, જેમાં 17 લોકોના મૃત્યુ થયાના અહેવાલો મળ્યા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, આ બસ 60થી વધુ મુસાફરોને લઈને ભંડારિયા ઉપ-જિલ્લાથી દક્ષિણ-પશ્ચિમ વિભાગીય મુખ્યાલય, બરીશાલ જઈ રહી હતી ત્યારે ઝલકાઠી જિલ્લામાં આ અકસ્માત થયો હતો. ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવતાં બસ તળાવમાં પડી હતી.

તળાવમાંથી 17 મૃતદેહોને બહાર કઢાયા, મૃત્યુઆંક વધવાની આશંકા

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તળાવમાંથી 17 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને ભારે વરસાદ વચ્ચે પાણીથી ભરેલા તળાવમાંથી બસને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ ઉપ નિદેશક ગૌતમ કુમાર ઘોષે જણાવ્યું કે, મૃતદેહોમાં 8 મહિલા સહિત ત્રણ બાળકો પણ સામેલ છે. તેમણે કહ્યું કે, બસમાં હજુ પણ મૃતદેહો હોવાની આશંકા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તુરંત સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં 65 મુસાફરો સવાર હતા.

ડ્રાઈવર સતત તેના સહાયકને વધુ મુસાફરો બેસાડવા માટે કહી રહ્યો હતો : ઈજાગ્રસ્ત મુસાફર

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફર રસેલ મોલ્લાહે (35 વર્ષ) જણાવ્યું કે, હું ડ્રાઈવર સીટની બાજુમાં બેઠો હતો. બસ ચલાવતી વખતે ડ્રાઈવરે સાવચેતી ન રાખી. તેમણે કહ્યું કે, ડ્રાઈવર સતત તેના સહાયક સાથે વાત કરી રહ્યો હતો અને તેને વધુ મુસાફરો બેસાડવા માટે કહી રહ્યો હતો. મોલ્લાહે તેમના પિતાને ગુમાવી દીધા છે, જ્યારે તેમનો ભાઈ હજુ પણ લાપતા છે.