×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: ધડાકાઓથી ધણધણ્યું રૂડકી, બે સગીર સહિત 4ના મોત, કર્મીઓને બચાવવા તોડવી પડી દિવાલ

દહેરાદુન, તા.20 ફેબ્રુઆરી-2023, સોમવાર

ઉત્તરાખંડના રૂડકીમાં સોમવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકા થયા બાદ આગ લાગી હતી. આ ઘટનામાં બે સગીર સહિત ચાર લોકોના જીવતા ભૂંજાઈ ગયા હતા. જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. પોલીસે ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમે લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. ફટાકડાના વેપારીનો ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો છે. તો બીજી તરફ ઘટના બાદ ફટાકડાના વેપારીની હાલત પણ બગડી છે.

ગેરકાયદે ફટકડા બનાવતી ફેક્ટરીમાં આગ

સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારમાં આવેલા મુખ્ય બજારમાં પંચાયતી રાજ ધર્મશાળાની નજીક લગભગ છ ફૂટની સાંકડી ગલીમાં વેપારી આલોક જિંદાલનું પતંગ, માંઝા અને હોળીના રંગોનું ગોડાઉન આવેલું છે. મળતી માહિતી મુજબ આ ગોડાઉનની પાછળના 3 દુકાનોમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી, જેમાં સોમવારે છ કર્મચારીઓ શટલ બંધ કરી ફટાકડા બનાવવાનું અને પેકિંગ કરવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન આજે ફેક્ટરીમાં અચાનક જોરદાર ધડાકો થયો. આ ઘડાકાની સાથે જ ભીષણ આગ પણ લાગી હતી.

ફાયર બ્રિગેડની ટીમને દુકાનમાં પ્રવેશવામાં પડી મુશ્કેલી

ફેક્ટરીમાંથી ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ગભરાઈને શેરી તરફ દોડી આવ્યા હતા. લોકોએ ઘટના અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ રૂડકી અને ભગવાનપુર ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખતરનાક ધડાકાઓ સાથે ભિષણ આગ લાગી હોવાના કારણે અંદર પ્રવેશી શક્યા ન હતા.

ફેક્ટરીમાં રહેલા લોકોને બચાવવા દિવાલ તોડવી પડી

ત્યારબાદ ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસ અને સ્થાનિકોએ ફેક્ટરીની પાછળની દિવાલ તોડવી પડી હતી. ભારે જહેમત બાદ પોલીસે સ્થાનિક લોકોની મદદથી દિવાલ અને સામેથી શટર ખોલીને પાંચ કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. જેમાંથી બે સગીર સહિત 3ને જીવતા ભુંજાતા તેઓનું મોત થયું હતું બેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટના અંગે તપાસ કરવાની સૂચના અપાઈ છે. વિસ્ફોટના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.