×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારી : 15000 નેતા માટે 3000 પોલીસ કર્મી, રોજ બનાવાશે એક લાખ રોટલી

રાયપુર, તા.23 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દેશભરમાંથી કોંગ્રેસના 15000થી વધુ નેતાઓ છત્તીસગઢ પહોંચવા લાગ્યા છે. છત્તીસગઢ સરકાર અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તમામ નેતાઓના રોકાણ, મુસાફરી અને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી છે. રાજધાની રાયપુરમાં 24 ફેબ્રુઆરીથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. જેના એક દિવસ પહેલા એટલે કે 23 ફેબ્રુઆરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાયપુર પહોંચવાના છે, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 24મીએ પહોંચશે. પ્રિયંકા ગાંધી 25 ફેબ્રુઆરીએ રાયપુર પહોંચશે.

અધિવેશનમાં ડોમથી લઈને લક્ઝરી કારોની વ્યવસ્થા

મળતી માહિતી મુજબ, સંમેલન સ્થળે તમામ ડોમમાં એર કંડિશનર તૈયાર કરાયા છે. તમામ ડોમમાં અલગ-અલગ એલઈડી સ્ક્રીન છે. તમામ વીઆઈપી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના ડોમમાં રહેશે. આ માટે એક મોટું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. સ્ટેજની આસપાસ 170થી વધુ એસી લગાવાયા છે. 15000 સભ્યો માટે 1500થી વધુ વાહનોની વ્યવસ્થા કરાઈ રહી છે. નાગપુરથી 300 ઈનોવા, દિલ્હીથી 100 લક્ઝરી કાર, ઈન્દોર-નાગપુરથી લક્ઝરી બસ મંગાવાઈ છે. ત્રણ દિવસીય સંમેલન માટે એક ડઝન વોલ્વો સહિત કુલ 800 મોટી અને નાની બસો રાયપુર પહોંચી છે. ઉપરાંત 700 નાની ટ્રેનોનું બુકિંગ થયાના અહેવાલ છે, જેમાં 250 VIP માટે લક્ઝરી કારો પણ સામેલ છે. આ VIPઓની સુરક્ષા અને પાયલોટ-ફોલો તરીકે 600 સરકારી વાહનો તૈનાત હશે. રાજ્યની મોટાભાગની ટ્રાવેલ એજન્સીઓના તમામ વાહનો બુક થઈ ગયા છે.

સુરક્ષા-વ્યવસ્થા માટે 3000 જવાનો તૈનાત

આ ત્રણ દિવસીય કોંગ્રેસ અધિવેશનમાં 15000થી વધુ નેતાઓ ભાગ લેશે. કોલકાતા, દિલ્હી અને કેરળમાંથી રસોઈયાઓ તેમના માટે રસોઈ બનાવવા આવશે. કોન્ટિનેન્ટલ ફૂડની સાથે છત્તીસગઢની વાનગીઓ પણ VVI નેતાઓને પીરસાશે. ઉપરાંત અન્ય રાજ્યોના પરંપરાગત ભોજન પણ તૈયાર કરાશે. અધિવેશનમાં ભાગ લેનારા લગભગ 15000 સભ્યો અને ફરજ પરના 5000 લોકો માટે દરરોજ સવાર અને સાંજનું ભોજન ત્યાં તૈયાર કરાશે. રોજના લગભગ 15 ક્વિન્ટલ ચોખા અને એક લાખ રોટલી તૈયાર કરાશે. રાષ્ટ્રીય સંમેલન માટે 3000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાશે. આઈજી તેનો હવાલો સંભાળશે. તેમના સહયોગ માટે 4 DIG અને દોઢ ડઝન SSPની ડ્યુટી લગાવવામાં આવી છે. સત્ર દરમિયાન સાદા યુનિફોર્મમાં સુરક્ષા જવાનો પણ તૈનાત રહેશે. ઉપરાંત VIP અને VVIPના આગમન માટેના રૂટ અલગ-અલગ રખાયા છે. તો ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા 400 જવાન તૈનાત રહેશે.

અધિવેશનમાં બનશે લોકસભા ચૂંટણીનો રોડમેપ

24થી 26 ફેબ્રુઆરી દરમિયાન કોંગ્રેસનું 85મું રાષ્ટ્રીય અધિવેશન નયા રાયપુરના મેળા સ્થળે યોજાવાનું છે. આ અધિવેશન 2023માં 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અધિવેશનમાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરશે. 3 દિવસ યોજાનારા આ અધિવેશનમાં કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી મેદાનમાં ઉતરશે તેનું સંપૂર્ણ આયોજન કરાશે. સંમેલનના અંતિમ દિવસે એટલે કે 26મી ફેબ્રુઆરીએ જાહેર સભા પણ યોજાશે, જેની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.