×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : કેદારધામમાં લૂંટ, હિમવર્ષા વચ્ચે રૂમના મોંઘા ભાડાથી તિર્થયાત્રીઓ હેરાન : વહિવટીતંત્ર સામે આક્રોશ

દહેરાદુન, તા.02 મે-2023, મંગળવાર

કેદારનાથ ધામમાં આવી રહેલા તિર્થયાત્રી વહિવટીતંત્રની વ્યવસ્થાથી હેરાન થઈ ગયા છે. એક તરફ ભારે હિમવર્ષા અને ઠંડીમાં ભક્તો લાંબી લાઈનોમાં ઉભા રહી બાબાના દર્શનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમની પાસેથી રૂમોના મોંઘા ભાડા લેવાઈ રહ્યા છે, જેના કારણે ભક્તો રોષે ભરાયા છે. તિર્થયાત્રીઓને મોંઘા ભાવે રૂમ આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને કેદારસભાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કેદારનાથ ધામમાં લોકો વિષમ પરિસ્થિતિમાં રહે છે. અહીં સામાન પહોંચાડવો કોઈ પડકારથી ઓછો નથી. ષડયંત્ર હેઠળ કેદારનાથને બદનામ કરવામાં આવી રહ્યું છે. જો કોઈપણ મુસાફરને કોઈ સમસ્યા હોય તો તે કેદારસભાના અધ્યક્ષનો સીધો સંપર્ક કરી શકે છે.

કેદારનાથ ધામમાં વહીવટીતંત્રની વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા

કેદારધામ પહોંચી રહેલા તિર્થયાત્રીઓ વહિવટી તંત્રની વ્યવસ્થાઓથી રોષે ભરાયા છે. તિર્થયાત્રીઓ પાસેથી એક રૂમના 10થી 15 હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ભારે હિમવર્ષા અને વરસાદ વચ્ચે યાત્રિકો બાબાના દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભા છે, જ્યારે તેઓ રાત્રી વિતાવવા માટે રૂમ શોધે છે, ત્યારે તેમની પાસેથી એક રૂમ માટે 15,000 રૂપિયા સુધી લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ વહીવટીતંત્રની વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓની વેદનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

કેદારનાથને બદનામ કરાઈ રહ્યું છે : કેદારસભા

કેદારનાથમાં રોકાવાના નામે 15,000 રૂપિયા લેવાતા હોવાના આરોપને કેદાર સભા, તીર્થપુરોહિત સમાજ અને વ્યાપારી સભાએ પાયાવિહોણા ગણાવ્યા છે. કેદારસભાના પ્રમુખ રાજકુમાર તિવારી અને મીડિયા પ્રભારી પ્રવીન સેમવાલે કહ્યું કે, કેદારનાથમાં રહેવા માટે પ્રતિ વ્યક્તિ રૂ.1000થી 2000 લેવામાં આવે છે. જીએમવીએનનો પણ આ જ ચાર્જ છે. 15000 રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરનારા મુસાફરો ગ્રૂપમાં આવ્યા હતા અને વ્યક્તિ દીઠ 1000થી 1500 રૂપિયા લેવાયા હતા. કેદારનાથ ધામમાં લોકો વિષમ પરિસ્થિતિમાં રહે છે. અહીં સામાન પહોંચાડવો કોઈ પડકારથી ઓછો નથી. ષડયંત્ર હેઠળ કેદારનાથને બદનામ કરવામાં આવી રહ્યું છે. જો કોઈપણ મુસાફરને કોઈ સમસ્યા હોય તો તે કેદારસભાના અધ્યક્ષનો સીધો સંપર્ક કરી શકે છે.