×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રકે ટક્કર મારતા કારમાં લાગી આગ, એક જ પરિવારના 4ના મોત

સહારનપુર, તા.18 જુલાઈ-2023, મંગળવાર

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત થવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટના સહારનપુરનાં મનિહારન વિસ્તારના ચુનૈહટીમાં બની છે, જેમાં કાર અને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાતા કારમાં આગ લાગી છે, જેના કારણે કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકો જીવતા ભળથું થઈ ગયા છે. 

કારના દરવાજાને કાપીને મૃતદેહોને બહાર કઢાયા

પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના દરવાજાને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંદે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

સેન્ટ્રલ લોકિંગ હોવાના કારણે કારના દરવાજા ખુલ્યા નહીં

પોલીસ અધિક્ષક (નગર) અભિમન્યુ માંગલિકે જણાવ્યું કે, સહારપુર જિલ્લાના પોલીસ સ્ટેશન રામપુર મનિહારાન વિસ્તારમાં ચુનૈહટી પાસે ફ્લાયઓવર પર એક જ બાજુથી વાહનો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રકે કારને ઓવરટેક કરતી વખતે કારને ટક્કર મારી હતી, જેના કારણે કારમાં આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે, થોડી જ વારમાં આગ વિકરાળ બની ગઈ હતી. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ લોકિંગ હોવાના કારણે કારના દરવાજા ખુલ્યા નહીં અને તેમાં સવાર ચાર વ્યક્તિઓના સળગી જવાથી મોત થઈ ગયા. 

ઘટનાને પગલે રસ્તા પર બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો

માંગલિકે જણાવ્યું કે, કારમાં આગ લાગવાના કારણે રસ્તામાં બંને તરફ લાંબો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, ઘટના અંગેની સૂચના મળતા જ થાના રામપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો અને કારના દરવાજાને કાપીને મૃતદેહોને બહાર કઢાયા. તેમણે કહ્યું કે, મૃતકોની ઓળખ હરિદ્વારના જ્વાલાપુરમાં રહેતા ઉમેશ ગોયલ (70), તેમની પત્ની સુનીતા ગોયલ (65), અમરીશ જિંદાગ (55) અને તેમની પત્ની ગીતા જિંદાલ (50) તરીકે થઈ છે.