×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: આ ગામમાં પહેલી વખત વીજળી પહોંચી, ટ્રાન્સફોર્મર પર ચડાવ્યા મેવા, અધિકારીઓને પહેરાવ્યા હાર

જમ્મુ-કાશ્મીર, તા.09 જાન્યુઆરી-2023, સોમવાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી એક સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સુદૂર ટેથન ટૉપ ગુર્જર વસ્તીમાં પ્રથમવાર વીજળીની રોશની પહોંચી છે. આઝાદીના 75 વર્ષ બાદ અહીંના ઘરોમાં બલ્બની રોશની જોતા ગ્રામવાસીઓ ઝુમી ઉઠ્યા હતા. એટલું જ નહીં અહીંના લોકોએ વીજળીનું કનેક્શન જોડવા આવેલા કર્મચારીઓને હાર-માળા પણ પહેરાવી હતી. ટ્રાન્સફોર્મર પર અખરોટ અને બદામ ચઢાવવામાં આવી. સાથે જ ગામના લોકો યુવા વીજળી ટ્રાન્સફોર્મર સામે જ નાચવા લાગ્યા.

ગામના લોકોએ પહેલીવાર ઘરોમાં રોશની જોઈ

દક્ષિણી કાશ્મીરના અનંતનાગમાં આઝાદી બાદથી અત્યાર સુધી તમામ ગામો અંધારામાં ડુબેલા હતા, ત્યારે વીજળી વિભાગ અને જિલ્લા પ્રશાસનના પ્રયાસો બાદ આ ગામોમાં વીજળી કનેક્શનની કામગીરી હાથ ધરાઈ છે. તમામ અડચણો પાર કરી નવા ટ્રાન્સફોર્મર નાખવામાં આવી રહ્યા છે અને ઘરોમાં કનેક્શનો લગાવવામાં આવી રહ્યા છે. અનંતનાગમાં આવેલ ટેથન ટૉપ ગુર્જર વસ્તીમાં રહેનારા લોકોએ પહેલીવાર પોતાના ઘરોમાં રોશની થતી જોઈ.

મોબાઈલ ચાર્જ કરવા બીજા શહેરમાં જવું પડતું

ગામના લોકોનું માનવું છે કે, વીજળી આવવાથી બાળકો બલ્બની રોશનીમાં ભણી શકશે. આ ગામના લોકોની કેટલીક ચીજવસ્તુઓ માટે દૂર આવેલા વિસ્તારો અને શહેરો પર રહેલી નિર્ભરતા ઘટી જશે. આ ગામની સ્થિતિ એવી હતી કે, કેટલાક લોકો પાસે મોબાઈલ હતા, પણ તેને ચાર્જ કરવા માટે દૂરના શહેરમાં જવું પડતું હતું. ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી વિકાસ પેકેજ (PMDP) યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરના ગામોને વીજળી પૂરી પડાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં આ યોજના લોન્ચ કરી હતી.