×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UPI ટ્રાન્ઝેક્શન નવી ઊંચાઈએ પહોંચ્યું, ડિજિટલ ચૂકવણી મામલે ગામડાઓ શહેરોથી આગળ નીકળ્યા

Image : Official

વર્ષ 2023-23માં UPIથી થયેલા ટ્રાન્ઝેક્શન 139 લાખ કરોડ રુપિયાના રેકોર્ડને પાર પહોંચી ગયા છે. વર્ષ 2016માં UPIથી ફક્ત 6947 કરોડ રુપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ સમયગાળા દરમિયાન UPI- વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ 1.8 કરોડથી વધીને 8,375 કરોડ થયા છે.  

SBIના રિપોર્ટ અનુસાર 2015-16માં જીડીપીની સરખામણીમાં ડિજિટલ પેમેન્ટ 668 ટકા હતું, જે હવે 767 ટકા પર પહોંચી ગયું છે. RTGS સિવાય રિટેલ ડિજિટલ ચૂકવણી 129 ટકાથી વધીને 242 ટકા થઈ છે. બીજી બાજુ વર્ષ 2022-23માં મૂલ્યની દ્રષ્ટિએ UPI ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને 25 ટકા સુધી પહોંચી ગયો જ્યારે શહેરોનો હિસ્સો 20 ટકા રહ્યો હતો. ખાસ વાત એ છે કે UPI પેમેન્ટમાં ગામડાઓએ શહેરોને પાછળ છોડી દીધા છે.

રિટેલ વ્યવહારોમાં તેજી

રિટેલમાં UPIનું મૂલ્ય વધીને 83 ટકા થયું છે. હવે ડિજિટલ પેમેન્ટના કારણે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પ્રમાણ ઘટીને 17 ટકા થઈ ગયું છે. એટીએમમાંથી કુલ ટ્રાન્ઝેક્શન રૂપિયા 30-35 લાખ કરોડ થયા છે. આ અગાઉ વર્ષ 2017માં એટીએમ ટ્રાન્ઝેક્શન નોમિનલ જીડીપીના 15.4 ટકા હતા જે હવે ઘટીને 12.1 ટકા થઈ ગયા છે.

2000ની નોટો પાછી ખેંચવાની અસર નહીં

SBIએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે RBIના 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે નહીં. જો કે આ બેંકોને લિક્વિડિટી મોરચે મદદ કરશે. આ રિપોર્ટમાં એવી ધારણા છે કે નોટો ઉપાડવાથી સિસ્ટમમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા પાછા આવશે જ્યારે બેંકોની કરન્સી ચેસ્ટમાં પહેલેથી જ 60 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

લોકો વર્ષમાં માત્ર 8 વાર જ એટીએમમાં જાય છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા લોકો પૈસા ઉપાડવા માટે વર્ષમાં સરેરાશ 16 વખત એટીએમની મુલાકાત લેતા હતા. હવે આ સંખ્યા ઘટીને 8 વાર જ થઈ ગઈ છે. સતત ડિજિટલ પેમેન્ટને કારણે એટીએમમાંથી રોકડ ઉપાડવામાં ઘટાડો થયો છે. હાલમાં દેશમાં 2.5 લાખ ATM છે.

UPIથી એપ્રિલમાં 14.1 લાખ કરોડની ચુકવણી

રિપોર્ટ અનુસાર એપ્રિલમાં UPIથી કુલ 14.1 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન દરેક ચુકવણીનું સરેરાશ મૂલ્ય રૂપિયા 1,600 હતું. દેશના ટોપ-15 રાજ્યોમાં મૂલ્ય અને સંખ્યાના સંદર્ભમાં UPIનો હિસ્સો 90 ટકા રહ્યો છે. ટોપ-100 જિલ્લાઓમાં આ હિસ્સો 45 ટકા છે. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક મૂલ્ય દ્વારા UPI ચૂકવણીમાં 8-12 ટકા હિસ્સો ધરાવે છે. યુપી, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, પી. બંગાળમાં તે 5-8 ટકા છે.