×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP Voting Live: કૈરાના ખાતે ગરીબ મતદારોને લાઈનમાંથી પાછા મોકલવાનો સપાનો આક્ષેપ


- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હિંદુ-મુસ્લિમ કરવાનું દબાણ હોવાનો રાકેશ ટિકૈતનો દાવો

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

ઉત્તર પ્રદેશમાં 11 જિલ્લાઓની 58 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ બેઠકો પર સત્તાધારી ભાજપની આકરી પરીક્ષાનો દિવસ છે. હકીકતે જે 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 53 બેઠકો 2017ના વર્ષમાં ભાજપને મળી હતી. પ્રથમ તબક્કામાં યોગી સરકારના 9 મંત્રી પણ મેદાનમાં છે.

સીએમ યોગી પર હિંદુ-મુસ્લિમ કરવાનું દબાણ

ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે મુખ્યમંત્રી યોગી પર હિંદુ મુસ્લિમ કરવાનું દબાણ છે. સંઘ દ્વારા આવું કરવા દબાણ કરવામાં આવ્યું છે. તેમને પોતાના અંદરના રિપોર્ટમાં 140 બેઠકો મળી રહી હોવાનું જાણવા મળ્યું છે માટે હવે કેટલીક બેઠકો વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપના રિપોર્ટ પ્રમાણે તેમને 140થી 165 બેઠકો મળશે. પરંતુ તેઓ ફક્ત સત્તા હાથમાંથી ન જાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. લોકો તેમનાથી નારાજ છે અને મત નથી આપી રહ્યા એટલે આ લોકો ગરબડ કરી રહ્યા છે. 

9:00 વાગ્યા સુધીમાં સરેરાશ 8% મતદાન

કૈરાના ખાતે ગરીબોને ડરાવાતા હોવાનો આક્ષેપ

સપા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ પ્રમાણે ડુંડુખેડા બૂથ નંબર 347, 348,349 અને 350 પર ગરીબ વર્ગના મતદારોને ડરાવી, ધમકાવીને મતદાન માટેની લાઈનમાંથી હટાવીને પાછા મોકલવામાં આવી રહ્યા છે. 

મેરઠમાં મતદાન શરૂ ન કરવાનો સપાનો આરોપ

સપા દ્વારા મેરઠમાં અધિકારીઓ પર મતદાન શરૂ ન કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સપાએ ટ્વિટમાં લખ્યું હતું કે, મેરઠની કિઠૌર-46 વિધાનસભા બેઠક પર બૂથ નંબર 82 ખાતે લાંબી લાઈન લાગી છે પરંતુ અધિકારીઓ મતદાન શરૂ નથી કરી રહ્યા. ચૂંટણી પંચ આ મામલે સુચારૂ મતદાન સુનિશ્ચિત કરે. 

મુઝફ્ફરનગર ઈસ્લામિયા ઈન્ટર કોલેજ પોલિંગ બૂથ ખાતે ઈવીએમ ખરાબ હોવાના કારણે મતદાન 1 કલાક મોડું શરૂ થયું હતું. 

શામલી ખાતે ઈવીએમ મશીન ખરાબ હોવાની ફરિયાદો આવતા મશીન બદલી દેવામાં આવ્યા હતા. શામલી ડીએમ જસજીત કૌરે આ અંગેની માહિતી આપી હતી. 

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મતદાન કરવા જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'દેશને દરેક ભયમાંથી આઝાદ કરો, બહાર આવો, મત આપો!'

યુપી સરકારમાં ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા મતદાન પહેલા ગોવર્ધન મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મંદિરમાં તેમણે પૂજા પાઠ કર્યા હતા અને પછી મતદાન માટે બૂથ પર પહોંચ્યા હતા. 

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, 'આજે લોકશાહીના મહાયજ્ઞનું પ્રથમ ચરણ છે. તમારા અમૂલ્ય મતની આહુતિ વગર આ અનુષ્ઠાન પૂરૂ નહીં થાય. તમારો એક મત અપરાધમુક્ત, ભયમુક્ત, દંગામુક્ત ઉત્તર પ્રદેશના સંકલ્પને મજબૂતી આપશે. માટે પહેલા મતદાન અને પછી જ જલપાન' અને પછી બીજા કામ.'

ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશમાં વિકાસની સાથે સાથે સુરક્ષા, સન્માન અને સુશાસન આપનારી સરકાર ચૂંટવા મહત્તમ મતદાન કરવાની હાકલ કરી હતી. તેમણે લોકોને એક એક મત ઉત્તર પ્રદેશના ઉજ્વળ ભવિષ્યનો આધાર છે તેમ પણ કહ્યું હતું.  

વહેલી સવારે 7:00 વાગ્યાથી 11 જિલ્લાઓની 58 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું હતું. આ સાથે જ અમુક જગ્યાઓએથી ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદો સામે આવી હતી જેથી મતદાન શરૂ થવામાં સમય લાગ્યો હતો.