×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: લોકડાઉનમાં મજૂરી બંધ, ખાવાનું ખતમ, જીવતા જ હાડપિંજર બની ગયા માતા અને 5 બાળકો


- છેલ્લા 10 દિવસથી અનાજનો એક દાણો પણ પેટમાં નહોતો ગયો

નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આખો પરિવાર 2 મહિનાથી ભૂખ્યો છે અને હાલ 5 બાળકો અને માતા સહિત સમગ્ર પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહિલાની સૌથી મોટી દીકરી જેના લગ્ન થઈ ગયેલા છે તેને અને તેના પતિને જ્યારે ખબર પડી કે ઘરમાં બધાની તબિયત ખરાબ છે ત્યારે જમાઈએ ઘરના બધા સભ્યોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. 

દર્દીઓની સેવા કરતી કોઈ વ્યક્તિએ મલખાન સિંહ જિલ્લા હોસ્પિટલના વોર્ડ નંબર 8માં દાખલ પરિવાર અંગે એનજીઓને જાણ કરી હતી અને ત્યાર બાદ હોસ્પિટલ પહોંચેલી એનજીઓ ટીમે તેમની મદદ કરી છે. જાણવા મળ્યા મુજબ 6 લોકોના આ પરિવારને કોઈ રોટલી આપે તો તેને ખાઈને પાણી પીને તેઓ દિવસો કાઢી રહ્યા હતા. પરંતુ સ્થિતિ એવી સર્જાઈ કે છેલ્લા 10 દિવસથી કોઈએ અનાજનો એક દાણો પણ નહોતો ખાધો. સતત ભૂખ્યા રહેવાના કારણે પરિવારની તબિયત ખરાબ થઈ ગઈ હતી.

40 વર્ષીય મહિલાએ જણાવ્યું કે, તેના પતિનું અવસાન થયું હતું અને ત્યારથી જ આખો પરિવાર ભોજનના એક એક દાણા માટે તરસી રહ્યો હતો. મહિલાને 20, 15, 10 અને 5 વર્ષની ઉંમરના 4 દીકરા અને 13 વર્ષની એક દીકરી છે. પતિના અવસાન બાદ મહિલાએ એક ફેક્ટરીમાં મહિને 4,000 રૂપિયાના પગારથી નોકરી સ્વીકારી હતી પરંતુ લોકડાઉનના કારણે ફેક્ટરી બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે અનેક ઠેકાણે કામ શોધ્યું હતું પરંતુ ક્યાંય કોઈ કામ નહોતું મળ્યું. 

ધીમે-ધીમે ઘરમાં રહેલું રાશન પૂરૂ થઈ જતાં તેઓ લોકો દ્વારા આપવામાં આવતા પેકેટ પર નિર્ભર રહેવા મજબૂર બન્યા હતા. લોકડાઉન ખુલ્યા બાદ મોટા દીકરાએ મજૂરી શરૂ કરી હતી અને જે દિવસે કામ મળે તે દિવસે રાશન પાણી આવી જતું પરંતુ જ્યારે કામ ન મળે ત્યારે ભૂખ્યા રહેવું પડતું. 

ભૂખ્યા રહેવાના કારણે દીકરીની તબિયત બગડી હતી અને ધીમે-ધીમે પરિવારના અન્ય સદસ્યો પણ બીમારીની લપેટમાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેર વખતે મોટા દીકરાને કામ મળતું બંધ થઈ ગયું અને સ્થિતિ વધુ ખરાબ થવા લાગી હતી. છેલ્લા 2 મહિનાથી ભરપેટ ભોજન ન મળવાના કારણે સૌ કોઈ તાવ સહિતની બીમારીઓથી પીડાવા લાગ્યા હતા જેથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું. આજુ બાજુના લોકો કશું ખાવા આપે તો કામ ચાલી જતું હતું નહીં તો પાણી પીને ભૂખ્યા સૂઈ જતા હતા.