×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: રામ મંદિર પર ચુકાદો આપનારા SCના નિવૃત્ત જસ્ટિસના મકાન પર બોમ્બમારો


- આરોપીઓએ ચાયવાળાને ધમકાવવા વિસ્ફોટક ફેંકીને દહેશત ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ, 2021, બુધવાર

રામ મંદિર પર ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અશોક ભૂષણના પ્રયાગરાજ ખાતે આવેલા પૈતૃક મકાન પર બોમ્બમારાની ચોંકાવનારી ઘટના સમે આવી છે. સોમવારે સાંજે લગભગ 5:30 કલાકે તેમના ઘર બહાર એક બાદ એક એમ કુલ 2 બોમ્બ ફોડ્યા બાદ બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બોમ્બમારા અંગેની સૂચના બાદ અનેક થાણાની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

કર્નલગંજ થાણા ક્ષેત્રના હાશિમપુર મોહલ્લામાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ અશોક ભૂષણનું પૈતૃક મકાન છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ અશોક ભૂષણ પોતાના પરિવાર સાથે કેન્ટ થાણા ક્ષેત્રના અશોક નગરમાં રહે છે. હાશિમપુર ખાતેના પૈતૃક મકાનમાં તેમના ભાઈ અને અલાહાબાદ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અનિલ ભૂષણ પોતાના પરિવાર સાથે રહે છે. 

પૈતૃક મકાન પર 2 બોમ્બ ફોડવામાં આવ્યા

અનિલ ભૂષણના કહેવા પ્રમાણે તેજ વિસ્ફોટ સાથે 2 બોમ્બ ફોડવામાં આવ્યા હતા. ધમાકાનો અવાજ સાંભળીને જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે બાઈક સવાર બદમાશો ફરાર થઈ ગયા હતા. તેમના કહેવા મુજબ તેમને કોઈ સાથે દુશ્મનાવટ નથી અને પોલીસને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. 

વકીલ અનિલ ભૂષણના કહેવા પ્રમાણે ઘરમાં રંગ-રોગાનનું કામ ચાલતું હતું માટે સીસીટીવી કેમેરાનું ડીવીઆર બંધ હતું. જોકે પોલીસ રસ્તા પરના સરકારી સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ કરી રહી છે. 

પોલીસે કરી આરોપીઓની ઓળખ

આઈજી પ્રયાગરાજ રેન્જ કેપી સિંહના કહેવા પ્રમાણે કર્નલગંજ થાણા ખાતે બનેલી ઘટનાનો કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ, સર્વેલાન્સ અને કર્નલગંજ થાણાની પોલીસે બાઈક અને તેજ અવાજવાળા વિસ્ફોટક ફેંકનારા આરોપીઓની ઓળખ પણ મેળવી લીધી છે. 

કેપી સિંહના કહેવા પ્રમાણે રિટાયર્ડ જજ જસ્ટિસ અશોક ભૂષણના આવાસ સામે ચાયની દુકાન છે. ચાયની દુકાનવાળીને આરોપીઓ સાથે પારિવારિક વિખવાદ છે. તે વિવાદને અનુસંધાને આરોપીઓએ ચાયવાળાને ધમકાવવા વિસ્ફોટક ફેંકીને દહેશત ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.