×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: પ્રિયંકા ગાંધીએ 50 નેતાઓને ફોનમાં કહ્યું- 'ચૂંટણીની તૈયારી કરો, તમારી ટિકિટ કન્ફર્મ છે!'


- કોંગ્રેસ ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવામાં લાગી ગઈ છે

નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. છેલ્લા 3 દશકાથી પ્રાંતની સત્તામાંથી બહાર રહેલી કોંગ્રેસના રાજકીય વનવાસને ખતમ કરવા માટે પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળી લીધો છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના આશરે 50 નેતાઓને જાતે જ ફોન કરીને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે. એટલું જ નહીં, ઓગષ્ટ મહિના સુધીમાં કોંગ્રેસે પ્રદેશની 200થી વધારે બેઠકો પર ઉમેદવારોની યાદી ફાઈનલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેના અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ ઝોન વાઈઝ મીટિંગ કરીને ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. 

UPમાં કોંગ્રેસના 50 ઉમેદવાર ફાઈનલ

કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આ વર્ષે જૂન મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન યુપીના આશરે 50 જેટલા નેતાઓને ફોન કરીને 2022ની ચૂંટણી લડવા માટે કહી દીધું છે. પ્રિયંકાએ સ્પષ્ટ કહ્યું છે કે, ચૂંટણીની તૈયારી કરો, તમારી ટિકિટ કન્ફર્મ છે. આ સાથે જ 2017માં જીતેલા 7 પૈકીના 5 ધારાસભ્યોને પણ ચૂંટણી લડવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. પ્રિયંકાએ આ તમામ નેતાઓને કહી દીધું છે કે, તેઓ તેમના ક્ષેત્ર પર સંપૂર્ણ ફોકસ રાખે અને લોકોની વધુને વધુ મદદ કરે. તે સિવાય દરેકના સુખ-દખમાં સામેલ થાય અને તેમને સરકારની ખરાબ નીતિઓ અંગે જણાવે. 

કોંગ્રેસ ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવામાં લાગી ગઈ છે જેમાંથી 50 નેતાઓને પ્રિયંકા ગાંધીએ ફોન કરીને ચૂંટણી લડવા કહી દીધું છે. આ એવી બેઠકો છે જેના પર કોંગ્રેસનો સારો એવો જનાધાર છે અને 2017ની ચૂંટણીમાં પણ પાર્ટી 50,000 કરતા વધુ મત મેળવવામાં સફળ રહી હતી. તે સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ બાકીની 350 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવા કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટી ઝોનના ઈન્ચાર્જ્સને બેઠક કરીને નામ ફાઈનલ કરવા કહ્યું છે.