×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: જિલ્લા પંચાયતના સદસ્યોના પગે પડ્યા પૂર્વ સાંસદ, પગ પકડવાનો વીડિયો થયો વાયરલ


- સપાના જિલ્લા પંચાયત સદસ્યો એકજૂથ રહે તે માટે પગે લાગ્યા હોવાનું કારણ આપ્યું

નવી દિલ્હી, તા. 03 જુલાઈ, 2021, શનિવાર

ઉત્તર પ્રદેશમાં શનિવારે એટલે કે આજે જિલ્લા પંચાયતના અધ્યક્ષ પદની ચૂંટણી છે. પરંતુ મતદાન પહેલા પૂર્વીય ઉત્તર પ્રદેશના ચંદૌલી ખાતેથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને ચોંકી જવાશે. આ વીડિયો સમાજવાદી પાર્ટીના ચંદૌલીના પૂર્વ સાંસદ રામકિશુનનો છે જે પોતાની જ પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્યોના પગે પડીને તેમના પગ પકડી રહ્યા છે જેથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સપાના જિલ્લા પંચાયત સદસ્યો એકજૂથ રહે અને જિલ્લા પંચાયત અધ્યક્ષ પદના ઉમેદવાર તેજ નારાયણ યાદવને મત આપે. 

આ વીડિયો વાયરલ થયા બાદ પૂર્વ સાંસદ રામકિશુને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટીના માન સન્માન માટે તેઓ કોઈના પણ પગ પકડી શકે છે. 

હકીકતે ચંદૌલીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે સપા અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. સપાના પૂર્વ સાંસદ રામકિશુને ભત્રીજા તેજ નારાયણ યાદવને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આ તરફ ભાજપે દીનાનાથ શર્માને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. 

ખાસ વાત એ છે કે, ચંદૌલીમાં 35 જિલ્લા પંચાયત સદસ્યોમાંથી 14 સદસ્ય સપાના છે જ્યારે ભાજપના 8, બીએસપીના 4, અન્ય અને અપક્ષના 9 સદસ્યો છે. 

સપાને એ વાતનો ડર છે કે, તેમના સદસ્યો કોઈ રીતે પ્રભાવિત થઈને ક્યાંક ક્રોસ વોટિંગ ન કરી દે જેથી બંને દળ દ્વારા વિવિધ કવાયતો હાથ ધરવામાં આવી છે. વાયરલ વીડિયો પણ આ કડીનો જ હિસ્સો છે. સપાના જિલ્લા પંચાયતના સદસ્યો રાતના સમયે દીનદયાળ નગર ખાતે આવેલા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યાં પહેલેથી જ કેટલાક લોકો ઉપસ્થિત હતા અને તેમના વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ થવા લાગ્યો હતો. 

આ અંગે જાણ થતાં જ પૂર્વ સાંસદ રાતે 11:00 વાગ્યે સપા કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પંચાયતના સદસ્યોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નહોતા માન્યા. પૂર્વ સાંસદ રામકિશુનના અનેક પ્રયત્નો છતા જિલ્લા પંચાયતના સદસ્યો અસંતુષ્ટ હોવાથી પૂર્વ સાંસદ આવેશમાં આવી ગયા હતા અને જિલ્લા પંચાયતના સદસ્યોના પગે પડી ગયા હતા.