×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યું પહેલું લિસ્ટ, 125 ઉમેદવારોમાં 50 મહિલા, ઉન્નાવ રેપ પીડિતાની માતાને ટિકિટ


- NRC-CAA વિરૂદ્ધ આંદોલન કરનારા સદફ જાફરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા 

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી દીધી છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 125 ઉમેદવારોના નામ સામેલ છે અને તેમાંથી 50 ઉમેદવારો મહિલા છે. કોંગ્રેસે ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ ઉમેદવાર બનાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવારોમાં મહિલાઓની સાથે સાથે કેટલાક પત્રકાર, એક અભિનેત્રી અને સમાજસેવીનો પણ સમાવેશ થાય છે. 

મોટા નામોની વાત કરીએ તો સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદને ટિકિટ મળી છે. કોંગ્રેસે ઉન્નાવ ખાતેથી આશા સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય NRC-CAA વિરૂદ્ધ આંદોલન કરનારા સદફ જાફરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે સિવાય પૂનમ પાંડેને ટિકિટ મળી છે જે આશા વર્કર છે. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, જે મહિલાઓ પહેલી વખત ચૂંટણી લડી રહી છે તે સંઘર્ષશીલ અને હિંમતવાળી મહિલાઓ છે. કોંગ્રેસ પાર્ટી તેમને સંપૂર્ણ સહયોગ આપશે. કોંગ્રેસની યાદી જાહેર કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારા ઉન્નાવના ઉમેદવાર ઉન્નાવ ગેંગરેપ પીડિતાના માતા છે. અમે એમને તક આપી છે કે, તેઓ પોતાનો સંઘર્ષ ચાલુ રાખે. જે સત્તા દ્વારા તેમની દીકરી સાથે અત્યાચાર થયો, તેમના પરિવારને બરબાદ કરવામાં આવ્યો, એ જ સત્તા તેઓ હાંસલ કરે. 

રાહુલ ગાંધીએ પણ આ અંગે ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે, 'ઉન્નાવ ખાતે ભાજપે જેમની દીકરી સાથે અન્યાય કર્યો, હવે તે ન્યાયનો ચહેરો બનશે, લડશે, જીતશે.'

સોનભદ્ર નરસંહારના પીડિતોમાંથી એક રામરાજ ગોંડને પણ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આશા બહેનોમાંથી એક પૂનમ પાંડેયને પણ ઉમેદવાર બનાવાયા છે. પ્રિયંકાએ કહ્યું કે, કોરોનામાં ઘણું કામ કરવા છતાં આશા બહેનો સાથે મારપીટ કરવામાં આવી. સદફ જાફર અંગે કહ્યું કે, સીએએ-એનઆરસી સમયે સંઘર્ષ કરવાના કારણે સરકારે તેમનો ફોટો પોસ્ટરમાં છપાવીને તેમને પ્રતાડિત કરેલા.