×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UPમાં રોજગારનું સમોસા મોડલઃ મેડલ લાવનારા વેચી રહ્યા છે ચા, કાપી રહ્યા છે લાકડા!


- સન્માન અને સ્વાભિમાન જાળવવા મધ્યમ વર્ગ હંમેશા ચૂપ રહી પીસાતો જાય છે

નવી દિલ્હી, તા. 27 મે, 2021, ગુરૂવાર

કોરોના મહામારી બાદ માર્ચ મહિનાથી બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ગત મહિને 75 લાખ લોકોએ પોતાની નોકરી છીનવાઈ ગયાનો દાવો કર્યો હતો. લોકોને કોરોના સંકટથી બચાવવા લોકડાઉન લાગુ થાય છે તો નોકરીઓ પર પણ તાળા લટકી જાય છે. આ સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં જેમણે પોતાના રમતના કૌશલ્ય વડે પ્રદેશ, દેશ અને વિદેશ સુધી સન્માન અપાવ્યું તેઓ હવે સમોસા વેચવા, સુથારીકામ કરવા, ચા વેચવા મજબૂર બન્યા છે. 

જે હાથોએ તલવાર પકડીને ઉત્તર પ્રદેશથી લઈને દેશભરમાં તલવારબાજીની રમતમાં સન્માન સાથે ખેલાડીઓ સર્જ્યા એ જ હાથમાં હવે આરી છે અને લાકડાના ટુકડા છે. બેરોજગારીમાં સન્માનથી જીવવા માટે તેઓ યોગ્યતાથી વિપરિત કામ કરવા મજબૂર બન્યા છે. જે હાથ અનેક ખેલાડીઓને તીરંદાજી શીખવતા હતા તે હવે સમોસા બનાવે છે. 

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં તલવારબાજીના એક એવા કોચ છે જેમણે 7-8 વર્ષ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. એક સમયે તેમના હાથમાં તલવાર જોવા મળતી જ્યાં આજે આરી છે. 2020ના લોકડાઉન પહેલા સંજીવ કુમાર ગુપ્તા તલવારબાજીના પ્રદેશ સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરતા હતા. છાપામાં છપાયેલા તેમના કારનામા આજે પણ તેમના ભૂતકાળની ઝાંખી કરાવે છે. ઘરની દીવાલો પર લટકતા મેડલ અને શેલ્ફ પર સજાવેલી ટ્રોફીઓ તેમના કોચિંગની સાક્ષી પુરે છે. પરંતુ લોકડાઉનમાં બેરોજગાર થવાના કારણે કમાણી માટે તેઓ સુથારીકામ કરવા લાગ્યા અને રોજ 300 રૂપિયા કમાય છે. બાળકીની શાળાની ફી ન ભરી શકવાના કારણે તેમની 12 વર્ષની દીકરી પણ શાળાએ નથી જઈ શકતી.

આવા અનેક ખેલાડીઓ જેમણે બોક્સિંગ, તીરંદાજીમાં નામ કમાયેલું તેઓ આજે ચા બનાવવી કે સમોસા બનાવવાનું કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં સવાલ થઈ રહ્યો છે કે સરકારની યોજનાઓ શું ખેલાડીઓને મીડિયામાં ઝળકાવવા પૂરતી જ હોય છે? સરકારે અનેક જગ્યાએ ગરીબો અને રેંકડીઓ ચલાવનારાઓ માટે રાશન અને પૈસા આપવાની વ્યવસ્થા કરી છે પરંતુ આવી યોજનાઓથી દેશનો મધ્યમ વર્ગ હંમેશા અછૂત રહ્યો છે. પોતાના સન્માન અને સ્વાભિમાન માટે તેઓ હંમેશા ચૂપ રહે છે.