×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UPમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો, સાંજે ગવર્નર આનંદીબેનને મળશે CM યોગી


- નિયમ પ્રમાણે યુપી કેબિનેટમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 60 થઈ શકે 

નવી દિલ્હી, તા. 27 મે, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના રાજકારણમાં યોગી આદિત્યનાથના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને મુખ્યંમત્રી યોગી આદિત્યનાથ આજે રાજ્યપાલ આનંદીબેન પટેલની મુલાકાત લેશે. આ મુલાકાત માટે આનંદીબેન પટેલ આજે અચાનક જ લખનૌ પહોંચી ગયા છે અને રાજભવન ખાતે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સાંજે 7:00 કલાકે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવાના છે. રાજ્યપાલ સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના નિયંત્રણ માટે જે મુલાકાત લીધી તેનો રિપોર્ટ રજૂ કરશે તેમ પણ કહેવામાં આવે છે. જો કે, મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ થઈ ગઈ છે અને પૂર્વ આઈએએસ એકે શર્માને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવી શક્યતા જણાઈ રહી છે. 

કેશવને ફરી સંગઠનમાં મોકલવાની ચર્ચા

એક અહેવાલ પ્રમાણે એકે શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે વર્તમાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશ ભાજપની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા છે. 19 માર્ચ, 2017ના રોજ સરકાર રચાઈ ત્યાર બાદ 22 ઓગષ્ટ, 2019ના રોજ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મંત્રીમંડળનો બીજો વિસ્તાર કર્યો હતો અને તે સમયે તેમના મંત્રીમંડળમાં 56 સદસ્યો હતા. 

કોરોનાના કારણે 3 મંત્રીઓના અવસાન થયા છે અને નિયમ પ્રમાણે યુપી કેબિનેટમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 60 થઈ શકે છે. મંત્રીમંડળના પહેલા વિસ્તાર વખતે 6 સ્વતંત્ર પ્રભાર મંત્રીઓને કેબિનેટના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. હાલ યોગી સરકારના મંત્રીમંડળમાં 23 કેબિનેટ મંત્રી, 9 સ્વતંત્ર પ્રભાર મંત્રી અને 22 રાજ્યમંત્રી છે. આ રીતે યુપી સરકારમાં હાલ કુલ 54 મંત્રીઓ છે. આમ 6 મંત્રી પદ હજુ પણ ખાલી છે જેને નિયમ પ્રમાણે વધારી શકાય છે.