×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UPમાં ધર્મેન્દ્ર પ્રધાન, શેખાવતને પંજાબની જવાબદારી… BJPએ કરી 5 રાજ્યોના ચૂંટણી પ્રભારીઓની જાહેરાત


- આ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીને મિશન 2024 માટે સેમીફાઈનલ માનવામાં આવે છે

નવી દિલ્હી, તા. 08 સપ્ટેમ્બર, 2021, બુધવાર

ભાજપે આગામી વર્ષે યોજાનારી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ બુધવારે પાંચેય રાજ્યો માટે પોતાના પ્રભારીઓની ઘોષણા કરી દીધી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, અર્જુન રામ મેઘવાલ, સરોજ પાંડેય, શોભા કરંદલાજે, કેપ્ટન અભિમન્યુ, અન્નપૂર્ણા દેવી અને વિવેક ઠાકુરને ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. 

ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, અને મણિપુર માટે

પાર્ટીએ ઉત્તરાખંડ માટે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને જવાબદારી સોંપી છે, તેમની સાથે લોકેટ ચેટર્જી અને સરદાર આરપી સિંહને પણ સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. 

પંજાબ ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે સાથે હરદીપ પુરી, મીનાક્ષી લેખી, વિનોદ ચાવડાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોવા ચૂંટણી માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જવાબદારી સોંપવામાં આવી છે. 

જ્યારે મણિપુર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રભારી બનાવવામાં આવ્યા છે. 

4 રાજ્યમાં ભાજપની સરકાર

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. માર્ચ-એપ્રિલ દરમિયાન આ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ શકે છે. તેને લઈ તમામ રાજકીય દળોએ અત્યારથી જ કમર કસી લીધી છે. 

હાલ આ 5 પૈકીના 4 રાજ્યોમાં ભાજપની સરકાર છે જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીને મિશન 2024 માટે સેમીફાઈનલ માનવામાં આવે છે.