×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UPમાં ડેમેજ કંટ્રોલમાં લાગ્યું ભાજપ-RSS, વિધાનસભા ચૂંટણી માટે બનાવ્યો પ્લાન


- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતે જ મોરચો સંભાળી લીધો

નવી દિલ્હી, તા. 25 મે, 2021, મંગળવાર

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન યુપીમાં જે પ્રકારની અવ્યવસ્થા સામે આવી છે તેના કારણે યુપીમાં સર્જાયેલા સરકાર વિરોધી અસંતોષથી ભાજપની ચિંતા વધી ગઈ છે. આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઈ વિપક્ષી દળો, ખાસ કરીને સપા અને કોંગ્રેસે સંક્રમણના પ્રબંધનને લઈ રાજ્ય સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. ત્યારે સંઘ અને ભાજપની ટોચની લીડરશિપ કોઈ પણ સંજોગોમાં યુપીની સત્તા ગુમાવવા નથી માંગતું. આ કારણે સંઘ અને ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં લાગી ગયા છે. 

ઉત્તર પ્રદેશની રાજકીય સ્થિતિને લઈ દિલ્હીમાં રવિવારે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેની મહત્વની બેઠક યોજાઈ હતી. તેમાં ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશ સંગઠનના મહામંત્રી સુનીલ બંસલ પણ સામેલ થયા હતા. 

બેઠકમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાને લઈ પાર્ટીની છબિ પર જે પ્રભાવ પડ્યો છે તેની આગામી ચૂંટણી પર શું અસર પડી શકે તેની ચર્ચા થઈ હતી. જાણવા મળ્યા મુજબ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, એક અભિયાન દ્વારા સરકાર કોરોનાથી જે અસંતોષ સર્જાયો છે તેને ખતમ કરવા પ્રયત્ન કરશે જેથી યુપી વિધાનસભા ચૂંટણી પર તેની કોઈ અસર ન પડે. આ કામમાં સંઘ પણ પાર્ટીને મદદ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતે જ મોરચો સંભાળી લીધો છે અને તેઓ જિલ્લાઓની મુલાકાત લઈને ગામડાઓની વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. 

હકીકતે કોરોનાની બીજી લહેર દરમિયાન ગંગા નદીમાં મૃતદેહો વહી આવ્યા અને ગંગા નદીના કિનારે મોટી સંખ્યામાં મૃતદેહો દફનાવવામાં આવ્યા આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચિત બન્યો છે. ઉપરાંત તાજેતરની પંચાયતની ચૂંટણીમાં પણ યુપીમાં સત્તાધારી ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. એટલું જ નહીં અયોધ્યા, મથુરા અને કાશીમાં પાર્ટીના પરાજયથી શીર્ષ નેતૃત્વ ચિંતામાં મુકાયું છે.