×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UPના તમામ જિલ્લાઓ કોરોના કર્ફ્યુથી મુક્ત, સાંજના 7:00થી સવારના 7:00 વાગ્યા સુધી લાગુ રહેશે પ્રતિબંધો


- રાત્રિ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુ પહેલાની જેમ લાગુ રહેશે

નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર

ઉત્તર પ્રદેશમાં નબળી પડી રહેલી કોરોના સંક્રમણની બીજી લહેરને ધ્યાનમાં રાખીને પ્રદેશના તમામ 75 જિલ્લાને કોરોના કર્ફ્યુથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. બુધવારથી પ્રદેશના તમામ જિલ્લાઓમાં સવારના 7:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી બજાર ખોલવામાં આવશે. જોકે સિનેમાઘર, મોલ અને જિમ પરના પ્રતિબંધ લાગુ રહેશે. રેસ્ટોરા ખોલવાની મંજૂરી મળશે પરંતુ લોકો ત્યાં બેસીને જમી નહીં શકે. રેસ્ટોરાથી ફક્ત હોમ ડિલિવરી જ થઈ શકશે. આ ઉપરાંત રાત્રિ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુ પહેલાની જેમ લાગુ રહેશે. 

જાહેર કરવામાં આવેલા નિર્દેશો પ્રમાણે જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણના 600 કરતા ઓછા કેસ હશે ત્યાં કોરોના કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે. હવે પ્રદેશના તમામ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 600 કરતા ઓછી થઈ ગઈ છે. આ કારણે તમામ જિલ્લાના બજાર ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં પ્રદેશમાં 2.85 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમ છતાં સંક્રમણના માત્ર 797 કેસ સામે આવ્યા છે. હાલ પ્રદેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા આશરે 14,000 છે. જ્યારે પોઝિટિવિટી રેટ 0.2 ટકા છે. તે સિવાય પ્રદેશનો કોરોના રિકવરી રેટ 97.1 ટકા છે. 

સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આશરે 40 દિવસ બાદ યુપીમાં કોરોના સંક્રમણના કારણે મૃતકઆંક 100થી નીચો આવ્યો છે. સોમવારે નવા 727 સંક્રમિતો નોંધાયા હતા અને 81 દર્દીઓના મોત થયા હતા.