×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Under 19 World Cup 2022: ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, રેકોર્ડ- 5મી વખત જીતી ટ્રોફી


- મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2011ના વર્ષમાં બિલકુલ આવી જ રીતે સિક્સ મારીને ભારતને 50 ઓવરના વિશ્વકપમાં વિજેતા બનાવ્યું હતું

અમદાવાદ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડે ઈતિહાસ સર્જી દીધો છે. ટીમ ઈન્ડિયા ફરી એક વખત વિશ્વવિજેતા બની ગઈ છે. વેસ્ટઈન્ડિઝમાં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારત વિજેતા બન્યું છે અને રેકોર્ડ સમાન 5મી વખત ટ્રોફી પર પોતાનું નામ છપાવ્યું છે. શનિવારે ઈંગ્લેન્ડ સામે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયા ખૂબ સરળતાથી જીતી ગઈ હતી. 

ફાઈનલ મુકાબલામાં ઈંગ્લેન્ડે 189 રન બનાવ્યા હતા અને ભારતને 190 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 47.4 ઓવરમાં જ 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવી લીધા હતા. 

મેચના અંતિમ તબક્કામાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ રનની સ્પીડ વધારી દીધી હતી. ટીમ ઈન્ડિયાના દિનેશ બાનાએ સિક્સ મારીને ભારતને વિશ્વવિજેતા બનાવી દીધું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2011ના વર્ષમાં બિલકુલ આવી જ રીતે સિક્સ મારીને ભારતને 50 ઓવરના વિશ્વકપમાં વિજેતા બનાવ્યું હતું. 

કપ્તાન યશ ધુલની આગેવાનીમાં ભારતે ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો અને ઈંગ્લેન્ડની ટીમને ફાઈનલમાં 4 વિકેટથી હરાવી દીધી હતી આ મુકાબલામાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ તેને માત્ર 189 રનોમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. બાદમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પોતાનો કમાલ દેખાડ્યો હતો અને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.