×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ukraine War: આજે કીવ પર કબજો? વધુ નજીક પહોંચ્યો સૌથી વિશાળ રશિયન કાફલો


- યુક્રેનમાં ફસાયેલા 242 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન પોલેન્ડથી IGI એરપોર્ટ પહોંચ્યું

કીવ, તા. 11 માર્ચ 2022, શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિના કોઈ જ અણસાર નથી જણાઈ રહ્યા. ગુરૂવારે તુર્કી ખાતે રશિયા અને યુક્રેનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેનું કોઈ ખાસ પરિણામ નથી આવ્યું. આ બધા વચ્ચે 20 લાખ કરતાં પણ વધારે લોકો યુક્રેન છોડીને આસપાસના દેશોમાં જઈને વસવાટ કરવા માટે મજબૂર થયા છે. 

યુક્રેનને 13.6 બિલિયન ડોલરની મદદ

યુએસ સીનેટે યુક્રેન અને તેના યુરોપીય સહયોગીઓ માટે સૈન્ય અને માનવીય સહાયતા માટેના 13.6 બિલિયન ડોલરના ઈમરજન્સી પેકેજને મંજૂરી આપી દીધી છે. 

242 ભારતીયો યુક્રેનથી પરત આવ્યા

યુક્રેનમાં ફસાયેલા 242 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન આજે પોલેન્ડથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું.

કીવની વધુ નજીક પહોંચ્યો સૌથી વિશાળ કાફલો

રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવવાના પ્રયત્નોને વધુ તેજ બનાવી દીધા છે. તાજેતરના અહેવાલ પ્રમાણે રશિયન સેનાનો 60 કિમી લાંબો જે કાફલો હતો તે હવે કીવની વધારે નજીક પહોંચી ગયો છે. તે સૈન્ય કાફલાના સૈનિકો હવે આજુબાજુમાં ફેલાઈ ગયા છે અને ફરી તૈનાત થઈ ગયા છે. અનેક પ્રકારની મુશ્કેલીઓના કારણે આ કાફલો ઘણાં દિવસોથી અટકી પડ્યો હતો. 

યુક્રેનમાં રશિયન સંપત્તિ થશે જપ્ત

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનમાં રશિયન સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપતા કાયદા પર હસ્તાક્ષર કર્યા. આ કાયદો યુક્રેનને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર રશિયન સંઘ કે તેના નિવાસીઓની સંપત્તિને જપ્ત કરવાની મંજૂરી આપે છે. સંસેદે 3 માર્ચના રોજ આ કાયદો પસાર કર્યો હતો. 

અમે યુદ્ધ નથી ઈચ્છતાઃ રશિયા

રશિયન સમાચાર એજન્સી TASSના કહેવા પ્રમાણે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું કે મોસ્કોએ કદી યુદ્ધ નથી ઈચ્છ્યું તથા મોસ્કો વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા ઈચ્છે છે. 

યુદ્ધ માટે સૈનિકો નહીં મોકલે અમેરિકા

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે, રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનમાં અમારા (USના) સૈનિકો મોકલવાનો કોઈ જ ઈરાદો નથી. અમે વિશ્વ યુદ્ધ કઈ રીતે રોકી શકાય તેના પર ધ્યાન આપી રહ્યા છીએ.