×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Tech કંપનીઓના મનસ્વીપણાને લેવાશે અંકુશમાં, Android-iPhoneમાં આવશે એક જ ચાર્જર


- જો ભારત આ પ્રકારના પરિવર્તન પર ભાર નહીં આપે તો આ પ્રકારના ઉત્પાદનોને અહીં ડમ્પ કરવામાં આવે તેવી પણ શક્યતા

નવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર 

સરકાર સ્માર્ટફોન અને ટેબ્લેટ સહિતના વિવિધ ઉપકરણો માટે એક સામાન્ય ચાર્જર અપનાવવામાં આવે તે અંગે વિચારણા કરી રહી છે. ઉપભોક્તા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આ અંગે વિચારણા માટે મંત્રાલયે તા. 17 ઓગષ્ટના રોજ ઈન્ડસ્ટ્રી સાથે એક બેઠક યોજી છે. બેઠકમાં એ મુદ્દે ચર્ચા કરવામાં આવશે કે, તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક ચાર્જર લાગુ કરવામાં શું તકલીફ પડી શકે છે. મોબાઈલ ઉત્પાદકો સહિતના અન્ય સંગઠનોને તે બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. 

અનેક પ્રકારના ચાર્જરની ઝંઝટમાંથી છૂટકારો

અધિકારીના કહેવા પ્રમાણે અત્યાર સુધી જે અનેક પ્રકારના ચાર્જરની વ્યવસ્થા જોવા મળી રહી છે તેના પર પૂર્ણવિરામ મુકવા માટે યોજના બનાવાઈ રહી છે. તેના કારણે 'ઈ-વેસ્ટ'માં પણ ઘટાડો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યુરોપીય સંઘે 2024 સુધીમાં નાના ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક યુએસબી-સી પોર્ટને અપનાવવાનો નિયમ લાગુ કરવા જણાવ્યું હતું. અમેરિકામાં પણ આ પ્રકારની યોજના બની રહી છે. 

ગ્રાહકોને થશે લાભ

અધિકારીએ જણાવ્યું કે, યુરોપ અને અમેરિકામાં કંપનીઓ આ પ્રકારની સેવાઓ આપી શકે છે તો પછી તેઓ ભારતમાં તે મુજબ શા માટે ન રહી શકે? સ્માર્ટફોન અને ટેબ્લેટ જેવા પોર્ટેબલ ઉપકરણોમાં એક સામાન્ય ચાર્જર જ લાગવું જોઈએ. જો ભારત આ પ્રકારના પરિવર્તન પર ભાર નહીં આપે તો આ પ્રકારના ઉત્પાદનોને અહીં ડમ્પ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. હાલ આ કારણે ગ્રાહકોએ દર વખતે એક નવું ઉપકરણ ખરીદ્યા બાદ એક નવું ચાર્જર પણ અલગથી ખરીદવું પડે છે. 

Appleને પડશે સૌથી વધુ અસર

જો સરકાર આ પોલિસી લાગુ કરશે તો Apple પર સૌથી વધુ પ્રભાવ જોવા મળશે કારણ કે, તે પોતાના સ્માર્ટફોન્સમાં લાઈટનિંગ કેબલનો ઉપયોગ કરે છે. ઉપરાંત તે iPhone સાથે બોક્સમાં ચાર્જર પણ નથી આપતી અને તેની કમાણીનો એક મોટો સ્ત્રોત ચાર્જરનું વેચાણ પણ છે. તેવામાં ટાઈપ-સી કે અન્ય કોઈ ચાર્જિંગ પોઈન્ટને કોમન કરવામાં આવશે તો કંપનીના વેપારને અસર પહોંચશે. 

માત્ર 2 પ્રકારના ચાર્જિંગ પોર્ટ આવશે

અધિકારીના કહેવા પ્રમાણે હવે સમય આવી ગયો છે કે, આપણે ફક્ત બે પ્રકારના ચાર્જિંગ પોઈન્ટ્સ માટેની ફ્રેમવર્ક પર કામ કરવાનું શરૂ કરીએ. મતલબ કે, એક ચાર્જિંગ પોર્ટ સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, ઈયરબડ્સ, સ્પીકર જેવા નાના અને મીડિયમ સાઈઝના ડિવાઈસમાં વપરાશે. જ્યારે બીજું ફીચર ફોન્સમાં વપરાશે.