×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચનો ODIમાંથી સંન્યાસ


- ફિંચ 2024માં રમાનારા વનડે વર્લ્ડ કપમાં ટીમના કેપ્ટન નહીં હોય પરંતુ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની આગેવાની કરશે

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2022, શનિવાર

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિંચ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે પોતાની અંતિમ વનડે મેચ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે 145 વનડે મેચ રમનારા એરોન ફિંચ આ ફોર્મેટમાં સૌથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. છેલ્લી 7 ઈનિંગમાં તેમના બેટ વડે માત્ર 26 રન થઈ શક્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રેસ રીલિઝ પ્રમાણે ફિંચે પોતાની સફરને શાનદાર ગણાવી હતી અને તેમાં અનેક યાદો બની હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

ફિંચે કહ્યું હતું કે, 'કેટલીક શાનદાર વનડે ટીમનો સદસ્ય બનીને હું પોતાની જાતને નસીબદાર સમજું છું.' આ સાથે જ તેમણે પોતાના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. ત્યાર બાદ નવા કેપ્ટનને તક આપવાનો સમય આવી ગયો છે જેથી પોતે સરખી તૈયારી કરી શકે અને આગામી વર્લ્ડ કપ જીતી શકે તેમ જણાવ્યું હતું. તેમણે પોતાને આ સ્તરે પહોંચવામાં મદદરૂપ બનનારા સૌ કોઈનો આભાર માન્યો હતો. 

T20 વર્લ્ડ કપમાં કરશે કેપ્ટન્સી

ફિંચ 2024માં રમાનારા વનડે વર્લ્ડ કપમાં ટીમના કેપ્ટન નહીં હોય પરંતુ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની આગેવાની કરશે. વનડેમાં તેમણે 5,400 રન બનાવ્યા છે તેમાં 17 સદીનો પણ સમાવેશ થાય છે. તેમણે 2013માં મેલબોર્નના મેદાન પર શ્રીલંકા સામેની મેચ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે સ્કોટલેન્ડ સામે પહેલી સદી કરી હતી અને તે મેચમાં તેઓ 148 રનની ઈનિંગ રમ્યા હતા. 

2018માં બન્યા હતા વનડે ટીમના કેપ્ટન

વર્ષ 2018માં બોલ ટેમ્પરિંગનો કેસ સામે આવ્યો ત્યાર બાદ સ્ટીવ સ્મિથ પર પ્રતિબંધ લાગ્યો હતો અને ફિંચને ઓસ્ટ્રેલિયાની વનડે ટીમના નિયમિત કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

ફિંચ 2015ની વનડે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો રહી ચુક્યા છે અને તે સિવાય 2020માં તેમને ઓસ્ટ્રેલિયાના 'મેન્સ ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.