×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Russia Ukraine Meeting: યુદ્ધ વચ્ચે બેલારૂસ ખાતે વાતચીત, ઝેલેન્સ્કીની મહત્વની જાહેરાત


નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે બેલારૂસ ખાતે બંને દેશ વચ્ચે વાતચીતની શરૂઆત થઈ. વાતચીત માટે રશિયા અને યુક્રેનનું ડેલિગેશન બેલારૂસ પહોંચી ગયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના કહેવા પ્રમાણે તેમનો રશિયા સાથેની વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય તાત્કાલિક યુદ્ધવિરામ અને રશિયન સૈનિકોની વાપસી છે. 

મીટિંગ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક ટ્વિટ્સ કરી હતી. તેમાં રશિયન સૈનિકોને પોતાનો જીવ બચાવીને જતા રહેવા માટે વિનંતી કરવામાં આવી છે. વધુમાં લખ્યું છે કે, 'હું જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે કહ્યું હતું કે, આપણે બધા રાષ્ટ્રપતિ હોઈશું કારણ કે, દેશ પ્રત્યે આપણા સૌની જવાબદારી છે. હવે એમ જ બન્યું છે. સૌ યોદ્ધા છે.'

સેનાનું નવું યુનિટ બનાવવા યુક્રેનની જાહેરાત

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનની સેનાએ નવા યુનિટ International Legion બનાવવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, તેમાં રશિયાનો સામનો કરવા માટે અન્ય દેશના લોકો પણ સામેલ થઈ શકશે. 

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નવું યુનિટ બનાવવાની જાહેરાત કરી છે. અમને વિદેશી નાગરિકોના હજારો આવેદન મળી રહ્યા છે. તેઓ રશિયાનો સામનો કરવા અમારા સાથે જોડાવા માગે છે અને વિશ્વનું રક્ષણ કરવા માગે છે. 

યુદ્ધ વચ્ચે યુરોપના દેશ લાત્વિયા (Latvia)ની સંસદે એક મહત્વનો પ્રસ્તાવ પાસ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો લાત્વિયાના સામાન્ય લોકો યુક્રેનમાં જઈને લડવા ઈચ્છે છે તો જઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, લાત્વિયા નાટો (NATO)નું સદસ્ય છે જેના વિરૂદ્ધ રશિયાએ આ યુદ્ધ છેડ્યું છે. 

નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે સોમવારે ટ્વિટ કરીને નાટોના સહયોગી દેશ યુક્રેનને એન્ટી ડિફેન્સ મિસાઈલ અને એન્ટી ટેન્ક વેપન ઉપલબ્ધ કરાવી રહ્યા હોવાની માહિતી આપી હતી. 

યુરોપીય સંઘે પણ પોતે જલ્દી જ યુક્રેનને હથિયારો પૂરા પાડવા માગે છે તેમ જણાવ્યું હતું. યુરોપીય સંઘના અધ્યક્ષ ઉર્સુલા વોન દેર લેયેને આ ઈતિહાસ બદલવાનો સમય છે તેમ પણ કહ્યું હતું. 

બેલારૂસ ખાતેથી વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વિટ કરીને રશિયા-યુક્રેન મીટિંગ માટે મંચ તૈયાર થઈ ગયો હોવાની જાણકારી આપી હતી.

બેલારૂસ પર વિશ્વાસ મુકવો યુક્રેન માટે સરળ નહીં

જોકે બેલારૂસ પર વિશ્વાસ મુકવો યુક્રેન માટે એટલી સરળ વાત ન કહી શકાય. અત્યાર સુધી જોઈએ તો બેલારૂસ આ યુદ્ધમાં રશિયા તરફ રહ્યું છે. સવારના સમયે એવી જાણકારી પણ મળી હતી કે, યુક્રેન પરના હુમલામાં બેલારૂસ રશિયાનો સાથ આપી શકે છે. અત્યાર સુધીની લડાઈમાં બેલારૂસ સીધી રીતે સામે નથી આવ્યું. પરંતુ રશિયાએ આજે સવારે યુક્રેનના Zhytomyr એરપોર્ટ પર જે હુમલો કર્યો હતો તેમાં Iskander મિસાઈલનો ઉપયોગ થયો હતો. આ એર સ્ટ્રાઈક બેલારૂસ તરફથી છોડવામાં આવી હતી. બેલારૂસે કહ્યું હતું કે, તે રશિયાને એર સ્ટ્રાઈક માટે પોતાના વિસ્તારનો ઉપયોગ નહીં કરવા દે પરંતુ તેમ છતાં આ બન્યું. Zhytomyrમાં થયેલા હુમલામાં જૂની ઈમારતને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યાં એક સિનેમા પણ આવેલું હતું.

અમેરિકાના ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે, જો વાતચીત પાટે નહીં ચડે તો બેલારૂસ આ લડાઈમાં ઝંપલાવી શકે છે. જોકે હજુ સુધી એવી સ્થિતિ છે કે, રશિયા આ લડાઈને જેટલી સરળ સમજતું હતું એટલી સરળ નથી રહી. રશિયાના જવાનોને યુક્રેન તરફથી આકરી ટક્કર મળી રહી છે અને રશિયા હજુ સુધી યુક્રેનની રાજધાની કીવ પર કંટ્રોલ નથી કરી શક્યું.