×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RBIએ ઓટોમેટિક પેમેન્ટ સુવિધામાં કર્યો ફેરફાર, બેંક હોલિડેના કારણે લેટ નહીં થાય સેલેરી કે EMI


- લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે NACHને આખું વર્ષ સપ્તાહના સાતેય દિવસ ચલાવવાની જાહેરાત કરી

નવી દિલ્હી, તા. 4 જૂન, 2021, શુક્રવાર

શું તમારા સાથે કદી એવું બન્યું છે કે, સેલેરી ક્રેડિટ થવાની હોય તે જ દિવસે બેંક હોલિડે હોવાથી સેલેરી મોડી આવે, કે પછી એવું બન્યું છે કે તમે લોનના ઈએમઆઈ માટે ઓટોમેટિક પેમેન્ટનું ઓપ્શન અપનાવેલું હોય પરંતુ બેંક હોલિડેના કારણે તેમાં મોડું થાય અને તમારે એકસ્ટ્રા ચાર્જ આપવો પડે. તો ટૂંક સમયમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તમારી આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે.

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ (NACH)ની સુવિધામાં મહત્વનો ફેરફાર કર્યો છે. તેનો ફાયદો ઓગષ્ટ મહિનાથી મળવાનો શરૂ થઈ જશે. 

શું છે NACH?

NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેનું ઓપરેશન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સંભાળે છે. સરકારી વિભાગો અને કંપનીઓ લોકોના ખાતામાં સેલેરી, પેન્શન, લાભાંશ કે સબસિડી વગેરેની ચુકવણી કરવા તેનો ઉપયોગ કરે છે. જ્યારે બીજી બાજુ લોકોના ખાતામાંથી લોનના ઈએમઆઈ, ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા, વીજળી, પાણી, ફોન અને ગેસના બિલ ઓટોમેટિક રીતે ડિડક્ટ પણ આ સુવિધા દ્વારા જ થાય છે. 

બેંક હોલિડેના દિવસે નથી થતું પેમેન્ટ

હાલ બેંક હોલિડેના દિવસે NACHની સુવિધા નથી મળતી. મતલબ કે, જો તમારી સેલેરી ક્રેડિટ થવાના દિવસે શનિવાર-રવિવાર કે કોઈ તહેવારના કારણે બેંક હોલિડે હોય તો તે દિવસે NACH ન ચાલવાના કારણે તમારી સેલેરી ક્રેડિટ થવામાં મોડું થઈ શકે છે. તેનાથી તમારી લોનના ઓટોમેટિક ઈએમઆઈ, પીપીએફ કે મ્યુચ્યુઅલ ફંડ સેવિન્ગ્સના હપ્તા વગેરેમાં પણ મોડું થઈ શકે છે જેથી એક્સ્ટ્રા ચાર્જ લાગી શકે છે. 

સપ્તાહમાં દરેક દિવસે મળશે ઓટોમેટિક પેમેન્ટની સુવિધા

લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે NACHને આખું વર્ષ સપ્તાહના સાતેય દિવસ ચલાવવાની જાહેરાત કરી છે. આગામી 1 ઓગષ્ટ, 2021થી આ સુવિધા ચાલુ થઈ જશે. રિઝર્વ બેંકના કહેવા પ્રમાણે RTGSની સુવિધાને સપ્તાહના સાતેય દિવસ માટે શરૂ કરવામાં આવી છે જેનો ફાયદો લઈને NACHને પણ આખું વર્ષ ચલાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમના હિતમાં આ પગલું ભરવામાં આવ્યું છે. 

ઓટોમેટિક પેમેન્ટ સુવિધામાં આ ફેરફારનો લાભ ઉઠાવવા માટે તમારે ફક્ત તમારા ખાતામાં પર્યાપ્ત રકમ રાખવી પડશે. રિઝર્વ બેંકે શુક્રવારે પોતાની દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. તેમાં નીતિગત વ્યાજદરોને અપરિવર્તિત રાખવામાં આવ્યા છે. સાથે જ બજારમાં સતત લિક્વિડિટી વધારવા પ્રયત્ન ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે.