×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીના વતનમાં જ યોજાશે હીરાબાની પ્રાર્થના સભા અને બેસણું, જાણો કાર્યક્રમ

અમદાવાદ, તા.30 ડિસેમ્બર-2022, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું આજે શતાયુ વર્ષે અવસાન થયું છે. તેમના નિધનને લઈને સમગ્ર દેશના દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તીઓ સહિત પ્રજાએ શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ તેમના વતન વડનગરમાં પણ લોકો શોકાતુર છે. હીરાબાના નિધન બાદ વડનગરમાં પ્રાર્થના સભા યોજવામાં આવશે. રવિવારે સવારે 9થી12 સુધી પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. બેસણું પણ સવારે 9 વાગ્યે વડનગરમાં જ રખાયું છે. ઉપરાંત અન્ય લૌકિક ક્રિયાઓ પણ ત્યાં જ યોજવાનું નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે. જ્યારે એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓએ આજે કામકાજ બંધ રાખીને શોક પાળ્યો છે. તેમના વતન વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલી આપશે.

ઊંઝા યાર્ડની તમામ પેઢીઓ બંધ રહેવા પામી

ઉત્તર ગુજરાતના ઊંઝાના વેપારીઓએ માર્કેટ યાર્ડમાં આજે કામકાજ બંધ રાખ્યું છે. માર્કેટમાં શોક જાહેર કરતાં યાર્ડની તમામ પેઢીઓ બંધ રહેવા પામી છે. તમામ વેપારીઓ, ખેડૂતો અને યાર્ડ દ્વારા વડાપ્રધાનના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. બીજી બાજુ અંબાજી મંદિરમાં પણ હીરાબાના નીધનને પગલે શાંતિ પાઠ કરવામાં આવ્યા હતાં. 

વડનગરમાં પણ વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો

PM મોદીના વતન વડનગરમાં પણ વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. વડનગરના વેપારી એસોસિએશને સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાજલી આપી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છે. વેપારીઓએ આજે સવારે જ જાહેરાત કરી હતી કે, વડાપ્રધાનના માતૃશ્રીનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે. નગરના સર્વે નાગરીકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે.