×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીના જન્મ દિવસ પર આજે 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' ઉજવી રહ્યું છે યુથ કોંગ્રેસ


- રાહુલ ગાંધીએ આ વર્ષે વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી 

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર, 2021,શુક્રવાર

આજે 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીની યુથ વિંગ દ્વારા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસ 17મી સપ્ટેમ્બરને 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' તરીકે ઉજવશે. કોંગ્રેસના કહેવા પ્રમાણે દેશમાં વધી રહેલી બેરોજગારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

યુથ કોંગ્રેસ બપોરે 12:00 કલાકે યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર જ 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' ઉજવીને પ્રદર્શન કરશે. યુથ કોંગ્રેસ તરફથી રાહુલ રાવ (નેશનલ મીડિયા ઈન્ચાર્જે) આ અંગેની જાણકારી આપી હતી. ભારતીય યુથ કોંગ્રેસે પહેલેથી જણાવ્યું હતું કે,  'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ' અંતર્ગત સંગઠન દ્વારા દેશભરમાં અનેક પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી.એ જણાવ્યું હતું કે, 'મોદી સરકાર 2 કરોડ રોજગાર પ્રતિવર્ષ આપવાના મોટા મોટા વચનો આપીને સત્તામાં આવી હતી પરંતુ આજે કેન્દ્ર સરકાર રોજગાર મુદ્દે સંપૂર્ણપણે મૌન છે. દેશમાં એક વર્ષમાં બેરોજગારી દર 2.4 ટકાથી વધીને 10.3 ટકા થઈ ગયો છે. સરકાર યુવાનોને રોજગાર આપવામાં અસફળ રહી છે.'

રાહુલ ગાંધીએ આ વર્ષે વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી છે. તેમાં તેમણે 'હેપ્પી બર્થડે, મોદીજી' એવું લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ બેરોજગારી મુદ્દે સતત સરકારને ઘેરી રહ્યા છે.