×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PMનો ગુજરાત પ્રવાસ Live: કાફલો કમલમ માટે રવાના, સમગ્ર રસ્તામાં કેસરીયો શણગાર


- વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા

અમદાવાદ, તા. 11 માર્ચ 2022, શુક્રવાર


@ 11:05 AM

વડાપ્રધાનના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શોના રૂટ પર 50 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેના પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ અને વિવિધ લોકનૃત્યો દર્શાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના રોડની સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસ જવાનનો કાફલો તૈનાત છે. 

વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદીના મિશન ગુજરાતની શરૂઆત થઈ ગઈ છે.  


વડાપ્રધાનનો આ કાર્યક્રમ એવા સમયે બન્યો છે કે જ્યારે ભાજપને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. ચૂંટણીના પરિણામો પછી મોદીની ગુજરાતની મુલાકાતને ભવ્ય બનાવવા માટે પ્રદેશ નેતાઓ કામે લાગ્યા છે.

વડાપ્રધાન 11મી એ એરપોર્ટ થી કમલમ સુધી અને 12મીએ ગાંધીનગરથી દહેગામ સુધી એમ બે રોડ-શો યોજશે જેમાં લાખોની જનમેદનીનું અભિવાદન કરશે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં ભાજપના વિજયોત્સવ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસથી રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે.

મોદી જ્યારે એરપોર્ટ પર આવશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરી તેમને રેલી મારફતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં લઇ જવાશે. આ માર્ગ પર આયોજિત રોડ-શોમાં મોદી ત્રણ થી ચાર લાખ લોકોનું અભિવાદન કરશે.

આ રોડ-શો પછી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટના સાથીઓ, લોકસભા અને રાજ્યસભાના સંસદસભ્યો, વિધાનસભાના સભ્યો, પૂર્વ સભ્યો અને પૂર્વ મંત્રીઓ સહિત 500થી વધુ આગેવાનો સાથે વિધાનસભાની આવી રહેલી ચૂંટણી અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપશે. કમલમમાં યોજાનારી આ બેઠક અતિ મહત્વની સાબિત થવાની છે, કેમ કે મોદી 11મી માર્ચથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર 11મીએ સાંજે ચાર કલાકે યોજાનારા પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ લોકો એકત્ર થવાના છે. રાજ્યમાં 33 જિલ્લા, 248 તાલુકા અને 14500 ગ્રામપંચાયતોનું ત્રિસ્તરીય માળખું છે.

આપનું ગામ-આપનું ગૌરવ એ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનનું રાત્રી રોકાણ રાજભવનમાં છે. બીજા દિવસે તેમની ઉપસ્થિતિમાં પ્રદેશ એકમ દ્વારા ગાંધીનગરથી દહેગામ સુધીનો બીજો રોડ-શો યોજવામાં આવ્યો છે. આ રોડ-શો માં એક લાખની જનમેદની એકત્ર થશે.

આ રોડ-શો પછી તેઓ સવારે 11 કલાકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કરશે. તેઓ સાંજના 6.30 કલાકે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાનારા 11મા ખેલ મહાકુંભના ગ્રાન્ડ-શોમાં ઉપસ્થિત રહી ઉત્સવને ખૂલ્લો મૂકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાતની મુલાકાત દરમ્યાન 11મીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયેલા સંમેલનમાં હાજરી આપે તેવી પણ સંભાવના છે. આ રાષ્ટ્રીય સંમેલનમાં સંઘના સુપ્રીમો મોહન ભાગવત તેમજ અન્ય ડેલિગેટ્સ હાજર રહેવાના છે. મોદી ગાંધીનગરમાં તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા પણ જાય તેવું પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે.

વડાપ્રધાન મોદીના બે દિવસના કાર્યક્રમો

11મી માર્ચ 

10.00 - અમદાવાદ એરપોર્ટ પર આગમન

10.15 -  એરપોર્ટ થી કોબા-કમલમ સુધી રોડ-શો

1.00 - ભાજપ કાર્યાલય ખાતે બેઠક

4.00 -  પંચાયત મહાસંમેલન, જીએમડીસી ગ્રાઉન્ડ

6.00 - રાજભવન રાત્રી રોકાણ

12મી માર્ચ

10.00 -  ગાંધીનગર થી દહેગામનો રોડ-શો

11.00 -  રાષ્ટ્રીય રક્ષા યુનિવસટીનો દીક્ષાંત સમારોહ

1.00 - રાજભવન પરત

6.30 -  11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, સરદાર પટેલ સ્ટેડીયમ

(મુલાકાત દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપશે તેમજ માતા હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી સંભાવના છે.)