×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PayTmના 10.39 લાખ નાના રોકાણકારો માટે વધુ એક માઠા સમાચાર!


નવી દિલ્હી, તા. 14 માર્ચ 2022, સોમવાર 

દેશમાં ડિજિટલ નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતી સૌથી મોટી કંપની PayTm માટે એક પછી એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ કંપનીની સાથી એવી પેટીએમ પેમેન્ટ બેંકને  નવા ગ્રાહકો જોડવા ઉપર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, રિઝર્વ બેન્કે કંપનીને આઇટી સિસ્ટમના ઓડિટ માટે અને આ ઓડિટના આધારે ભવિષ્યમાં ગ્રાહકો ઉમેરવા કે નહિ તેનો નિર્ણય લેવાની જાણ કરી હતી. રવિવારે એવા સમાચાર આવ્યા હતા કે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માની ફેબ્રુઆરીમાં દિલ્હી પોલીસે એક રોડ એક્સિડન્ટ કેસમાં ધરપકડ પણ કરી હતી.

પેટીએમની માલિકી વન ૯૭ કોમ્યુનિકેશનની છે અને કંપનીના શેર નવેમ્બર ૨૦૨૧માં પબ્લિક ઇસ્યુ થકી રોકાણકારોને રૂ ૨૧૫૦ના ભાવે ઑફર કરવામાં આવ્યા હતા. લિસ્ટીંગ પછી આ શેરમાં રોકાણકારોને કોઈ વળતર મળી રહ્યું નથી. સોમવારે શેરનો ભાવ ૧૩ ટકા તૂટી રૂ.૬૭૨ થયો હતો, જે તેનો ઓલ ટાઇમ લો છે. આ કંપનીમાં નાના રોકાણકારોની સંખ્યા ૧૦.૩૯ લાખ છે અને દરેક રોકાણકારોને જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

લિસ્ટીંગ બાદ ૯૫,૦૦૦ કરોડ ધોવાયા

લિસ્ટીંગ થયું ત્યારે ઇસ્યુ કરતા ઓછા ભાવ હોવા છતાં કંપની રૂ.૧.૪ લાખ કરોડના મૂલ્ય સાથે દેશની ૩૫મી મૂલ્યવાન કંપની બની હતી. આજે શેરના ભાવમાં કડાકો થયો છે અને સતત ઘટાડા પછી હવે તે ટોપ ૧૦૦માં પણ નથી. કંપનીનું મૂકું અત્યારે રૂ.૪૫,૦૦૦ કરોડ જેટલું છે. એટલે કે તેમાં લિસ્ટીંગ પછી રૂ.૯૫૦૦૦ કરોડનું ધોવાણ થયું છે. આટલા મોટા ધોવાણ માટે જવાબદાર કોણ? એવી ચર્ચા બજારમાં ચાલી રહી છે 

કંપનીની બેંક પાસે આઠ કરોડ જેટલા ગ્રાહકો છે, પેટીએમ માત્ર નાણાકીય વ્યવહાર જ નહિ પણ બેન્કિંગ, શેર અને મ્યુચ્યુલ ફન્ડમાં રોકાણ, બિલ પેમેન્ટ, શોપિંગ જેવી અનેક સેવાઓ આપતી હોવા છતાં જંગી ખોટ કરી રહી છે. આ શેરમાં હવે રોકાણકારોને વળતર મળશે કે નહિ, ક્યારેય કંપની નફો રળી શકશે કે નહીં તેવા સવાલ થઈ રહ્યા છે.