×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NDAને મળ્યું આ દિગ્ગજ પાર્ટીનું સમર્થન, હવે સંસદમાં ‘દિલ્હી વટહુકમ’ને પાસ થતા કોઈ રોકી નહીં શકે

નવી દિલ્હી, તા.27 જુલાઈ-2023, ગુરુવાર

હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી વટહુકમ મામલે તાજેતરમાં જ કોંગ્રેસે આપનું સમર્થન કર્યું હતું, જેના કારણે કેજરીવાલને આંશિક રાહત થઈ છે. લોકસભામાં એનડીએ પાસે બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં એનડીએ પરેશાન થઈ શકે છે, જોકે હવે એક પક્ષે એનડીએની પરેશાની દુર કરી દીધી છે. આંધ્રપ્રદેશના દિગ્ગજ નેતાએ ભાજપની આગેવાની હેઠળની NDAને વટહુકમ મામલે સમર્થન આપી શકે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના નેતૃત્વ હેઠળની વાઈએસઆર કોંગ્રેસ પક્ષે વટહુકમ મુદ્દે NDAને સમર્થન આપ્યું છે, જેના કારણે દિલ્હીમાં વહિવટી સેવાઓ પર અંકુશ લગાવવા કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારો) બિલ-2023ને સંસદમાં બંને ગૃહોમાં સરળતાથી પાસ થઈ શકે છે. પક્ષના વરિષ્ઠ નેતાએ વાઈએસઆર કોંગ્રેસનું NDAને સમર્થન અંગેની જાણકારી આપી છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ સરકારનું સમર્થન કરી રહી છે YSRCP

જ્યારથી ચોમાસુ સત્ર થયું ત્યારથી બંને ગૃહોમાં મણિપુરનો મુદ્દે ચગી રહ્યો છે. આ મામલે વડાપ્રધાન મોદી ચર્ચા કરે, તેવી વિપક્ષો સતત માંગ કરી રહ્યા છે. ગઈકાલે વિપક્ષો સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે, જોકે વાઈએસઆર કોંગ્રેસ આ મુદ્દે પણ સંસદમાં સરકારનું સમર્થન કરી રહી છે. વાઈએસઆર કોંગ્રેસ પક્ષના રાજ્યસભામાં 9 અને લોકસભામાં 22 સાંસદો છે. રાજ્યસભામાં વાઈએસઆરનું સમર્થન સરકાર માટે ખુબ જ મહત્વનું સાબિત થઈ શકે છે અને લોકસભાની જેમ રાજ્યસભામાં પણ દિલ્હી વટહુકમ સરળતાથી પાસ થઈ શકે છે.

YSRCPના નેતાએ NDAને સમર્થન અંગે પક્ષના તમામ સાંસદોને જાણ કરી

YSRCPના નેતા વી.વિજયસાઈ રેડ્ડીએ જણાવ્યું કે, તેમનો પક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ અને દિલ્હી વટહુકમ મુદ્દે સરકારનું સમર્થન કરશે. આ બાબતે પક્ષના સાંસદોને પણ જાણ કરાઈ છે. 9 સાંસદો ધરાવતી બીજૂ જનતા દળ પણ એનડીએ સરકારને સમર્થન કરી શકે છે. જોકે આ બાબતે નવીન પટનાયક તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

વિપક્ષનું સમર્થન મેળવવા AAP સરકારની દોડધામ

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર ટુંક સમયમાં નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારો) બિલ-2023 સંસદમાં રજુ કરી શકે છે. આ વિધેયક બંને ગૃહોમાં પાસ થયા બાદ દિલ્હીમાં વહિવટી સેવાઓ પરનું નિયંત્રણ કેન્દ્ર સરકારના હાથમાં આવી જશે. દરમિયાન દિલ્હીની આપ સરકાર આ વિધેયકનો વિરોધ કરી રહી છે. દિલ્હી સરકાર આરોપ લગાવી રહી છે કે, ચૂંટાયેલી સરકારને નબળી પાડવા અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા માટે આ બિલ લવાઈ રહ્યું છે.