×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NCPના નામ અને ચિહ્ન પર અજિત પવારે દાવો કર્યો, કહ્યું ‘તમામ ચૂંટણી પક્ષના નામ પરથી લડીશું’

મુંબઈ, તા.02 જુલાઈ-2023, રવિવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ થયા બાદ તેમણે મોટો દાવો કર્યો છે. અજિત પવારે NCPના નામ અને ચિહ્ન પર અજિત પવારે દાવો કર્યો છે. પક્ષના નામ પરથી તમામ ચૂંટણીઓ લડવાનું પણ અજિત પવારે જણાવ્યું છે. આ અગાઉ અજિત પવારે શિંદે સરકારમાં સામેલ થઈ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો પણ છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે ફટકો છે.

અજિત પવારે શરદ પવારની NCP પર કર્યો દાવો, કહ્યું, તમામ ચૂંટણી NCPના ચિહ્ન પર જ લડાશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, અમે NCPના લગભગ તમામ ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. અમે શપથ લીધા છે અને આગામી વિસ્તરણમાં કેટલાક અન્ય મંત્રીઓને ઉમેરવામાં આવશે. આ સાથે તેમણે શરદ પવાર દ્વારા ઉભી કરાયેલી NCP પાર્ટી પર દાવો કર્યો અને કહ્યું કે, અમે NCP છીએ અને અમે મહારાષ્ટ્રમાં તમામ ચૂંટણી NCPના સિમ્બોલ પર જ લડીશું.

અજિતે NDAમાં સામેલ થવાનું કારણ જણાવ્યું

અજિત પવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિકાસને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે. છેલ્લા નવ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે વિકાસ માટે ઘણું કામ કરી રહ્યા છે. તેમને જોઈને મને લાગ્યું કે મારે પણ વિકાસની યાત્રામાં સહભાગી થવું જોઈએ, તેથી હું NDAમાં જોડાવા માંગતો હતો.

શરદ પવાર માને છે કે 2024માં મોદી જીતશે : ભુજબલ

અજિત પવાર સાથે NCPના બળવાખોર નેતા છગન ભુજબળે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, શરદ પવાર માને છે કે 2024માં માત્ર મોદી જ જીતશે.

અજિત પવાર સાથે 40 ધારાસભ્યો, 3 સાંસદો અને 6 MLC

અજિત પવાર સાથે 40 ધારાસભ્યો અને 3 સાંસદો અને 6 એમએલસી છે. NCPમાંથી બળવો કરીને અજિત પવારે આજે રાજભવન જઈને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.