×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NCERTની નવી ગાઈડલાઈન : આ કારણે દેશભરમાં બદલાઈ જશે સ્કૂલ યુનિફોર્મ

નવી દિલ્હી, તા.17 જાન્યુઆરી-2023, મંગળવાર

NCERT દ્વારા સમગ્ર દેશભરના શાળા સ્ટાફ માટે એક નવું ડ્રાફ્ટ મોડ્યુલ બહાર પડાયો છે, જેમાં શાળાઓમાં ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓને ઉલ્લેખ કરાયો છે. આ નવા મોડ્યુલમાં ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને ઘણી રીતે સુવિધા આપવા વિશે વાત કરવામાં આવી છે. NCERTએ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી શાળાઓમાં રેગ્યુલર વર્કશોપ, આઉટરીચ પ્રોગ્રામ્સ અને જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ રાખવાની સલાહ આપી છે. નવા મોડ્યુલમાં અનેક નવા વિષયો ઉમેરીને જાતિ વ્યવસ્થા અને પિતૃસત્તાને બાકાત કરાઈ છે. 

NCERTના ગત વર્ષના રિપોર્ટ પર NCPCR ઉઠાવ્યો હતો વાંધો

NCERTએ આશરે એક વર્ષ પહેલા શાળાઓમાં ટ્રાન્સજેન્ડર બાળકોને સામેલ કરવા અંગેનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે અંગે બાળ અધિકારોના રક્ષણ માટેના રાષ્ટ્રીય આયોગ (NCPCR) દ્વારા વાંધો ઉઠાવાયો હતો. ત્યારે NCPCRએ સલાહ આપી હતી કે, NCERTના રિપોર્ટમાં જેન્ડર-ન્યૂટ્રલ ટોયલેટ અને પ્યૂબર્ટી બ્લોકર્સનો ઉલ્લેખ કરાયો નથી. તો હવે NCERT એક નવો મેન્યુઅલ જારી કર્યો છે. આને નવો મેન્યુઅલ કહો કે ગાઈડલાઈનમાં જેન્ડર-ન્યૂટ્રલ ટોયલેટ અને પ્યૂબર્ટી બ્લોકર્સની બાબતને સામેલ કરાઈ નથી, ઉપરાંત જાતિ વ્યવસ્થા અને પિતૃસત્તાની પણ અવગણના કરાઈ છે.

NCERT નવા ડ્રાફ્ટ મેન્યુઅલમાં ટ્રાન્સજેન્ડર બાળકોનો ઉલ્લેખ કરાયો

અત્રે નોંધનીય બાબત એ છે કે અગાઉના રિપોર્ટમાં જાતિ વ્યવસ્થા અને પિતૃસત્તા બંને બાબતોનો ઉલ્લેખ કરાયો હતો. NCERT દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટ મેન્યુઅલનું ટાઈટલ 'Integrating Transgender Concerns in Schooling Processes' છે, જેમાં ટ્રાન્સજેન્ડર બાળકોને શાળામાં સામેલ કરવાની વાત કરાઈ છે. આ રિપોર્ટને NCERTના જેન્ડર સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના વડા જ્યોત્સના તિવારી દ્વારા બનાવાયેલી 16 સભ્યોની સમિતિ દ્વારા તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં શાળાના બાળકો માટે જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ લાવવાની ભલામણ કરવામાં આવી છે.

જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ એટલે શું ?

જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ દરેક વિદ્યાર્થી માટે સમાન હોય છે. જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ વિદ્યાર્થીઓને કોઈપણ એક જેન્ડર સુધી મર્યાદિત કરતી નથી. આ યુનિફોર્મ છોકરાઓ, છોકરીઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ વચ્ચેના મતભેદને દૂર કરે છે. જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મથી એ સંદેશો મળે છે કે, દરેક મનુષ્ય સમાન છે. કેરળના કોઝિકોડમાં 2020માં પ્રથમ વખત જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ રજૂ કરાયો હતો.

શાળાઓમાં બદલાશે શૌચાલયનું માળખું 

NCERTના નવા રિપોર્ટમાં ટ્રાન્સજેન્ડરો માટે ઘણી ભલામણો છે. આ રિપોર્ટમાં શૌચાલય મુદ્દે કહેવાયું છે કે, ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારના શૌચાલય હોવા જોઈએ. NCERT ડ્રાફ્ટ મેન્યુઅલમાં લખાયેલું છે કે, જો કોઈ શાળામાં ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નિડ્સ એટલે કે વિશેષ જરૂરિયાતવાળા બાળકો (CWSN) માટે શૌચાલય હોય તો તેનો ઉપયોગ પણ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ કરી શકે છે.